ભારતમાં મળી આવેલો કોરોના સ્ટ્રેન ઓળખાશે ‘ડેલ્ટા’ તરીકે, WHOએ કોવિડ વેરિએન્ટ્સને આપ્યું નામ

કોરોના વેરિએન્ટના અસ્તિત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના એટલે કે SARS-CoV-2ના મુખ્ય વેરિએન્ટના નામોના ઉચ્ચારણ અને તેને યાદ રાખવા સરળ નામકરણ કર્યું છે. કોરોના માટે જવાબદાર વાયરસનું નામકરણ ગ્રીક આલ્ફાબેટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે.

આ નામ મોટા પાયે અભિપ્રાય મેળવીને અને સમીક્ષા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સમગ્ર વિશ્વના નિષ્ણાત જૂથને નિર્દેશ આપ્યો હતો. તેમાં નેમિંગ સિસ્ટમના એક્સપર્ટ્સ, નોમનક્લેચર, વાયરસ ટોક્સોનોમિક એક્સપર્ટ, રિસર્ચર્સ અને રાષ્ટ્રીય પ્રાધિકરણ પણ સામેલ થયા હતા.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એવા વેરિએન્ટ્સ માટે લેબલ અસાઈન કરશે જેને વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ કે વેરિએન્ટ ઓફ કંસર્ન તરીકે નામિત કરવામાં આવ્યું છે. ભારતમાં ઓક્ટોબર 2020માં મળી આવેલા કોરોના વેરિએન્ટ B.1.617.2  G/452R.V3નું નામ ડેલ્ટા વેરિએન્ટ રાખવામાં આવ્યું છે. જ્યારે ભારતમાંથી જ મળેલા વાયરસના બીજા સ્ટ્રેન (B.1.617.1)નું નામ ‘કપ્પા’ રાખવામાં આવ્યું છે.

બ્રિટનમાં 2020ના સપ્ટેમ્બર મહિનામાં મળી આવેલા વેરિએન્ટનું નામ ‘અલ્ફા’ રાખવામાં આવ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકામાંથી મળી આવેલા વેરિએન્ટનું નામ ‘બીટા’ રાખવામાં આવ્યું છે. સંગઠને નવેમ્બર 2020માં બ્રાઝિલમાંથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘ગામા’ રાખ્યું હતું જ્યારે યુએસમાંથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘એપ્સિલોન’ રાખ્યું હતું અને જાન્યુઆરી 2021માં ફિલિપાઈન્સ ખાતેથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘થીટા’ રાખ્યું હતું.

ભારતમાં મળી આવેલા વાયરસનો વિવાદ

ઉલ્લેખનીય છે કે ભારતમાં મળી આવેલા કોરોના વેરિએન્ટને લઈ ભારે વિવાદ થયો હતો. સરકારે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા કંપનીઓને પોતાના પ્લેટફોર્મ પરથી એવા તમામ કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા કહ્યું હતું જેમાં કોરોના વાયરસના વેરિએન્ટને ઈન્ડિયા નામ સાથે જોડીને લખવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *