મોટાં વેપારીઓને સોશિયલ મીડિયા દ્વારા હનીટ્રેપ દ્વારા ફસાવી તેમની પાસેખી લાખો રૃપિયાનો તોડ કરવાના કેસમાં આરોપી પોલીસ ઇન્સપેક્ટર ગીતા પઠાણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જેના વિરોધમાં રાજ્ય સરકારે સોગંદનામા દ્વારા અરજી કરી છે કે આરોપી પોલીસકર્મીઓની મદદગારીથી આ ગેંગે ઘણાં વેપારીઓને ફસાવ્યા છે, તેથી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી તેને જામીન ન આપવા જોઇે. કોર્ટે બન્ને પક્ષોની સુનાવણી સાંભળી આદેશ અનામત રાખ્યો છે
આ કેસની વિગત એવી છે કે હનીટ્રેપ કરતી અમદાવાદની ગેંગ સોશિયલ મીડિયા દ્વારા મોટાં વેપારીઓનો સંપર્કમાં આવતી હતી. યુવતીઓના ફેક આઇ.ડી. દ્વારા વેપારીઓ સાથે મિત્રતા કેળવી તેને એકાંતમાં મળવા બોલાવવામાં આવતા હતા. આ ગેંગની યુવતીઓ વેપારીઓ સાથે એકાંત માણી તેમની સામે દુષ્કર્મ અને પોક્સો સહિતના આરોપો હેઠળ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં તે સમયે ગીતા પઠાણ પાસે આવી અરજીઓનો વિભાગ હોવાથી તે અન્ય સાગરિતોની મદદથી વેપારીઓને ડરાવી-ધમકાવી સમાધાન માટે સમજાવતી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોલીસકર્મીએ જામીન અરજી કરતા તેના વિરોધમાં પોલીસ તરફથી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે આરોપી જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદોનો વિભાગ સંભાળી રહી હતી ત્યારે તેણે આવું કૃત્ય કર્યું છે. તે કાયદાની જાણકાર છે અને જામીન પર છૂટી પુરાવાઓ અને સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. તેથી તેની જામીન અરજી નામંજૂર થવી જોઇએ.