કોરોના મહામારી, મોંઘવારી અને આર્થિક તંગી સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મીડિયાના કટાક્ષથી બચવા માટેનો રસ્તો શોધી લીધો છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે મીડિયાને લઈ નવા નિયમોનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેનો આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી દળો, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજે નવા કાયદાના પ્રસ્તાવને મીડિયા માર્શલ લૉ ઠેરવતા કહ્યું હતું કે તે અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધનો નિયમ છે.
ઈમરાન સરકાર ‘પાકિસ્તાન મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓર્ડિનેન્સ-2021’ લાગુ કરવા ઈચ્છે છે જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓના કહેવા પ્રમાણે તે અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ લગાવનારો નિયમ છે. પીએમએલ-એનના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબના કહેવા પ્રમાણે આ મીડિયા પર નિયંત્રણનો પ્રયત્ન છે. તેના દ્વારા સરકાર મીડિયા સંસ્થાનોને પોતાના મુખપત્ર બનાવી લેવા માંગે છે અથવા તો તેમણે બંધ થવું પડશે.
આવો છે નવા કાયદાનો પ્રસ્તાવ
ઈમરાન સરકારે ‘પાકિસ્તાન મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓર્ડિનેન્સ-2021’ અંતર્ગત મીડિયા સાથે સંકળાયેલા જૂના કેટલાક કાયદાના વિલયનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવા કાયદા અંતર્ગત પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયાથી લઈને ડિજિટલ મીડિયા સુધીની નિયમાવલી નક્કી કરવામાં આવશે. ઈમરાન સરકારનું કહેવું છે કે, નવા કાયદા અંતર્ગત એક ઓથોરિટીની રચના કરવામાં આવે જે દેશમાં તમામ પ્રકારના મીડિયાની નિયમાવલી નક્કી કરશે. નવા નિયમો અંતર્ગત દેશમાં સમાચાર પત્ર અને ડિજિટલ મીડિયાના સંચાલન માટે પણ ટીવી ચેનલ્સની માફક લાઈસન્સની જરૂર પડશે. આ ડ્રાફ્ટમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, યુટ્યુબ ચેનલ્સ, વીડિયો લોગ્સ વગેરેને લઈ પણ નિયમાવલી નક્કી કરવાની વાત કહેવામાં આવી છે.