દેશમાં કોરોનાકાળમાં લગભગ છેલ્લા દોઢ-બે મહિનાથી વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોની વ્યાકુળતાનો અંત આવી ગયો છે. અંતે સીબીએસઈની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીના કારણે લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને માતા-પિતા પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા હતા. વધુમાં દિલ્હી સહિત કેટલીક રાજ્ય સરકારોએ પણ ૧૨માની બોર્ડની પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દે સુનાવણી ચાલે છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે તમે ગયા વર્ષની જેમ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લો તો તેનું યોગ્ય કારણ જણાવશો. કેન્દ્ર સરકારે ૩ જૂને કોર્ટમાં જવાબ આપવા સમય માગ્યો હતો.
સીબીએસઈને પગલે સીઆઈએસઈએ પણ કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખી ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરી છે. આગામી સમયમાં વિવિધ રાજ્ય સરકારો પણ સ્થાનિક બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લે તેવી સંભાવના છે. સીબીએસઈએ સૌપ્રથમ વખત બોર્ડની પરીક્ષાઓ રદ કરી છે. ગયા વર્ષે સીબીએસઈની અડધી પરીક્ષાઓ લેવાયા પછી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ થયા પછી બાકીની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. સીબીએસઈ દ્વારા બોર્ડની પરીક્ષા માટે વૈકલ્પિક મૂલ્યાંકનો હજી નક્કી કરાયા નથી, પરંતુ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના દેખાવના આધારે ધોરણ-૧૦ના બોર્ડના પરીણામ જાહેર કરવા લેવાયેલા નિર્ણયની જેમ જ ધોરણ-૧૨ની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
વડાપ્રધાને કહ્યું કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને તેમની સલામતી સરકારની સૌપ્રથમ પ્રાથમિક્તા છે. તેની સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકોમાં ઊભી થયેલી તણાવની સ્થિતિ દૂર થવી જોઈએ. કેન્દ્ર સરકાર, રાજ્યો, માતા-પિતા સહિત બધા જ હિસ્સેદારોએ આ બાબતમાં સંદેવનશીલતા દર્શાવવી જોઈએ. વડાપ્રધાને ઉમેર્યું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ અસ્થિર છે. દેશના કેટલાક રાજ્યોમાં માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન બનાવાતા સંક્રમણનો દર ઘટયો છે જ્યારે કેટલાક રાજ્યોમાં હજી પણ લૉકડાઉન ચાલુ છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને શિક્ષકો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે ખૂબ જ ચિંતિત છે. આવા તણાવપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પર બોર્ડની પરીક્ષામાં હાજર થવાનું દબાણ નાંખવું જોઈએ નહીં.
વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પ્રકાશ જાવડેકર તેમજ સીબીએસઈના ચેરમેને પણ ભાગ લીધો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પણ બોર્ડની પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ નિર્ણયને બાળકોના હિતમાં ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મને આનંદ છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાયો છે. દેશના ૧.૫ કરોડથી વધુ બાળકો તેમની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા અંગે દુઃખી હતા. તેમને સતત ચિંતા હતી કે તેમનો આગળનો અભ્યાસ કેવી રીતે થશે? જે રીતે દેશમાં કોરોનાના કેસ વધતા હતા, તે જોતાં પરીક્ષામાં તેમના જીવનને જોખમ હતું.
આ પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંક મંગળવારે બોર્ડની પરીક્ષાઓ અંગે મોટી જાહેરાત કરવાના હતા, પરંતુ અચાનક તેમનું સ્વાસ્થ્ય બગડતા તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. બોર્ડની પરીક્ષા અંગે ૩૧મી મેએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારે પરીક્ષાઓ અંગે નિર્ણય લેવા બે દિવસનો સમય માગ્યો હતો.
સીબીએસઈ બોર્ડને ગયા સપ્તાહે કેન્દ્રીય મંત્રીઓની બેઠકમાં પરીક્ષા યોજવા સંબંધે બે વિકલ્પોનું સૂચન થયું હતું. પહેલો વિકલ્પ બધા વિષયોની પરીક્ષા ઘટાડેલી પરીક્ષા પેટર્ન પર યોજવાનો હતો અને બીજો વિકલ્પ માત્ર મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષા યોજવાનો હતો. આ બેઠકમાં દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ પરીક્ષાઓ રદ કરી વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કિંગના આધારે પાસ કરવાના વિકલ્પનું સૂચન કર્યું હતું.