ગુજરાત માં તા.4 જૂનથી સવારે 9 થી 6 સુધી બજારો ખુલ્લા રહેશે

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ઘટતાં જતાં સંક્રમણને પગલે રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કર્યાં છે અને બજારો ખુલ્લા રાખવાના સમયમાં વધુ ત્રણ કલાકની છૂટછાટ આપી છે. તા.૪થી જૂનથી અમદાવાદ સહિતના ૩૬ શહેરોમાં સવારના ૯ વાગ્યાથી માંડીને સાંજના ૬ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.બજારો ખુલ્લા રાખવાના સમયમાં છુટછાટ અપાતાં આંશિક લોકડાઉનમાં આર્થિક રીતે બેહાલ બનેલાં વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે.જોકે, રાત્રી કરફ્યૂમાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ હતી જેના કારણે રાજ્ય સરકારે સંક્રમણને કાબૂમાં લેવા અનેકવિધ પગલાં લીધાં હતાં. રાજ્ય સરકારે અમદાવાદ ઉપરાંત ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રિ કરફ્યૂ પણ લાદ્યો હતો. એટલું જ નહી,બજારો પણ સવારના ૯ વાગ્યાથી માંડીને બપોરના ૩ વાગ્યા સુધી જ ખોલવા અનુમતિ આપી હતી. રાજ્ય સરકારના અસરકારક પગલાંને કારણે કોરોના પર કાબૂ મેળવી શકયો છે. હવે ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક ઘટી રહ્યો છે તે જોતાં સરકારે નિયંત્રણોને વધુ હળવા કર્યાં છે.

તા.૪થી જૂનથી અમદાવાદ સહિત અન્ય ૩૬ શહેરોમાં શોપિંગ મોલ,વાણિજ્યિક સંસ્થાઓ,લારી ગલ્લા, બ્યુટી પાર્લર, હેરકટિંગ સલૂન. માર્કેટિંગ યાર્ડ સહિત અન્ય વ્યાપારિક ગતિવિધી સવારના ૯ વાગ્યાથી માંડીને સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સરકારે દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં વધુ ત્રણ કલાકની છૂટછાટ આપી છે .નાના વ્યવસાયકારોથી માંડીને વેપારીઓઓએ રૂપાણી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આ ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટમાં ય ટેક અવેની સાથે સાથે રાત્રીના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકાય તે માટે છૂટ અપાઇ છે. અત્યાર સુધી સરકારે રાત્રી ૯ વાગ્યા સુધી જ હોમ ડિલીવરીની છુટ આપી હતી. જોકે, હોટલ સંચાલકોએ વધુ છૂટછાટ આપવા સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી.

આ તરફ, રાજ્ય સરકારે અમદાવાદ સહિત ૩૬ શહેરોમાં રાત્રી કરફ્યૂ યથાવત રાખ્યો છે. એટલું જ નહી, રાત્રી કરફ્યૂના સમયમાં ય કોઇ રાહત આપી નથી. રાત્રી કરફ્યૂ રાતના ૯ થી સવારથી ૬ વાગ્યા સુધી અમલમાં જ રહેશે. તા.૪ જૂનથી તા.૧૧મી જૂન સુધી રાત્રી કરફયૂ અમલમાં રહેશે. ટૂંકમાં સરકારે રાત્રી કરફ્યૂની મુદતમાં એક સપ્તાહનો વધારો કર્યો છે. કોરોનાના કેસો ભલે ઘટયાં હોય તેમ છતાંય રાજ્ય સરકાર ધીરે ધીરે નિયંત્રણો હળવા કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *