કોરોના મહામારીને કારણે મહારષ્ટ્રમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર સાથે બેઠકમાં મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે પરીક્ષા રદ કરવાની દલીલ કરી હતી. 3 જૂને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં ધોરણ-12 ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો નિર્ણય
મહારાષ્ટ્ર કોરોના સંક્રમણના સંદર્ભમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક છે. તબીબી નિષ્ણાતો ત્રીજી લહેરનો વિચાર વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકો વધુ શિકાર બની શકે છે અને આ જ કારણ છે કે સરકાર બાળકો અંગે કોઈ જોખમ લેવા માંગતી નથી. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લેતા મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે.
લગભગ 16 લાખ વિદ્યાર્થીઓએ ભર્યા હતા પરીક્ષા ફોર્મ
મહારાષ્ટ્રમાં લગભગ 16 લાખ વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને પરીક્ષા ફોર્મ ભર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ કયા માપદંડ હેઠળ બાળકો પાસ થશે એ સંદર્ભે હજી સુધી કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર CBSE બોર્ડના માપદંડ જાહેર થયા બાદ જ રાજ્ય સરકાર તેની ભૂમિકા સ્પષ્ટ કરશે.
અત્યાર સુધીમાં આ રાજ્યોએ પરીક્ષાઓ રદ્દ કરી
વડાપ્રધાન મોદી દ્વારા CBSE ધોરણ 12ની બોર્ડ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત થયા પછી રાજ્યોના શિક્ષણ બોર્ડ પર ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવા માટે દબાણ વધી ગયું હતું. ત્યારબાદ થી હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા સહિતના 8 જેટલા રાજ્યના શિક્ષણ બોર્ડોએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી દીધી છે. જયારે પશ્ચિમ બંગાળ, કર્ણાટક, પંજાબ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવા અંગે પુનર્વિચારણા કરી રહ્યા છે.