રૂ. ૧૦૦૦ ની એક કેરી : નુરજહાં કેરી

નૂરજહાંના આંબા એના વજનદાર ફળ માટે દુનિયાભરમાં જાણીતા છે. નૂરજહાં કેરીના સ્વાદના રસિયાઓ ગયા વર્ષે તો નિરાશ થવું પડ્યું હતું, પરંતુ આ વર્ષે સારો પાક થયો છે. આવી એક વજનદાર પાકી કેરી દુનિયાભરમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહી છે. એટલું જ નહીં, એનું લોકો અગાઉથી જ બુકિંગ પણ કરાવી લે છે. મૂળ અફઘાનિસ્તાનની મનાતી કેરીની આ જાતના ગણ્યાગાંઠયા આંબા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાત નજીક આવેલો છે. ઈન્દોરથી આશરે 250 કિ.મી. દૂર આવેલું કઠવાડાના કેરી ઉત્પાદક શિવરાઈ સિંહ જાધવ કહે છે, મારી આંબાવાડીમાં નૂરજહાંના ત્રણ આંબા છે, જેના પર કુલ 250 ફળ આવ્યાં છે. એનું બુકિંગ ઘણા સમય પહેલાં જ થઈ ગયું હતું. એના એક ફળની કિંમત રૂ. 1000 સુધીની હોય છે.

આ વખતે એક નૂરજહાં કેરીનું વજન બેથી સાડા ત્રણ કિલો છે
નૂરજહાં કેરીનું એડવાન્સ બુકિંગ કરાવનારા મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય ગુજરાતના સ્વાદરસિયાઓ પણ સામેલ છે. બાગાયતી નિષ્ણાતો કહે છે, આ વખતે મધ્યપ્રદેશમાં નૂરજહાં આંબાની એક કેરીનું વજન બેથી સાડાત્રણ કિલો સુધીનું છે. કઠવાડામાં નૂરજહાંની ખેતી કરતા નિષ્ણાત શાક મનસૂર કહે છે કે આ વખતે નૂરજહાંનો પાક સારો થયો છે, પરંતુ કોવિડ પ્રોટોકોલને કારણે કેરીના વેપાર પર થોડી અસર પડી છે.

ક્લાઇમેટ ચેન્જને કારણે 2020માં નૂરજહાં કેરીઓ જ નહોતી પાકી
ક્લાઈમેટ ચેન્જની નૂરજહાંના આંબા પર પણ અસર પડી છે. ગયા વર્ષે નૂરજહાંના આંબા પર મોર જ નહોતા આવ્યા, જેને કારણે અનેક શોખીનોને એના સ્વાદથી વંચિત રહેવું પડ્યું હતું. મનસૂર કહે છે, 2019માં નૂરજહાંનાં ફળોનું સરેરાશ વજન 2.75 કિલોની આસપાસ હતું. એ વર્ષે ખરીદદારોએ એના એક ફળના રૂ. 1200 જેટલી ઊંચી રકમ ચૂકવી હતી. નૂરજહાંનું એક વજનદાર ફળ આશરે એક ફૂટ લાંબું હોઈ શકે છે, એનું જ વજન 150થી 200 ગ્રામ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *