ગુજરાતની સ્કૂલો-કોલેજોમા આવતીકાલે ૭મીથી નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ શરૃ થનાર છે.પ્રથમ શૈક્ષણિક સત્ર તો શરૃ થશે પરંતુ કોરોનાને લીધે હજુ સ્કૂલો-કોલેજો રેગ્યુલર ચાલુ નહી કરવામા આવે.સરકાર દ્વારા હજુ સુધી ઓફલાઈન શિક્ષણની મંજૂરી ન અપાતા હાલ ઓનલાઈન શિક્ષણ જ ચાલશે.સતત બીજા વર્ષે સ્કૂલો-કોલેજો વિદ્યાર્થીઓ વગર ઓનલાઈન શિક્ષણથી શરૃ થશે.
ગુજરાતની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આવતીકાલે ૭મીથી નવુ શૈક્ષણિક સત્ર શરૃ થનાર છે.શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમં ધો.૧ તથા ધો.૯માં પ્રવેશ આપવાની કામગીરી શરૃ કરવાની રહેશે. ઉપરાંત પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની ડાયસમા ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. સરકારના સામાન્ય વહિવટ વિભાગના તાજેતરના પરિપત્ર અનુસાર સરકારી કચેરીઓમા કર્મચારીઓની ૧૦૦ ટકા હાજરીની સૂચના અપાઈ છે જેથી રાજ્યની તમામ શાળાઓમાં પણ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની હાજરી ૧૦૦ ટકા રાખવાની રહેશે. સંબંધિત સ્કૂલોની વિદ્યાર્થી સંખ્યા અને કરવાની થતી કામગીરીને ધ્યાને લેતા મુખ્ય શિક્ષક તથા આચાર્યની સુચના મુજબ ફજો બજાવવાની રહેશે. જે વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી વિના મૂલ્યે પાઠય પુસ્તકો આપવામા આવે છે તેનું વિતરણ હજુ થયુ નથી.
સ્કૂલો શરૃ થઈ જનાર છે અને હોમ લર્નિંગ અંતર્ગત બાળકો તો ભણવા માંડશે પરંતુ પાઠય પુસ્તકો પહોંચ્યા નથી ત્યારે ૧૮મી સુધીમાં પુસત્કો મળી જાય તે મુજબની વ્યવસ્થા કરવા આદેશ અપાયો છે.શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થી-વાલીને સ્કૂલે ન બોલાવી ઘરબેઠા પુસ્તકો મળી જાય તેવુ આયોજન કરવા મખ્ય શિક્ષક-આચાર્યએ કરવાનું રહેશે. હાલની પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીએ શાળાએ આવવાનું રહેશે નહી અને સ્કૂલે બોલાવવાના પણ રહેશે નહી. તેઓને ઘરે બેઠા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃત્તિઓ મળી રહે તે મુજબ લર્નિંગની પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.વિદ્યાર્થીઓ લર્નિંગ ઘરે બેઠા કરી શકે તે માટે સાહિત્ય ,ઓનલાઈન એજ્યુકેશન ,મોબાઈલના ઉપયોગ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ,ટેલિવિઝનના માધ્યમ દ્વારા જરૃરી પ્લાનિંગ કરવાનું રહેશે. જે માટે જીસીઈઆરટી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા ઓનલાઈન શિક્ષણ અંગે જે કોઈ સૂચનાઓ આપવામા આવે તે મુજબ સ્કૂલે શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે.
ડીડી ગિરનાર ટીવી ચેનલ પરથી બાળખો માટે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરાશે અને જેનું ટાઈમ ટેબલ જીસીઈઆરટી અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપવામા આવશે.ધો.૩થી૫નુ સાહિત્ય સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ,ધો.૬થી ૮ માટેનું સાહિત્ય જીસીઈઆરટી અને ધો.૧૦-૧૨ માટેનું સાહિત્ય ગુજરાત બોર્ડ દ્વારા તૈયર કરીને શાળાઓ સુધી પહોંચાડવામા આવશે.જ્યારે આવતીકાલથી સ્કૂલો સાથે જીટીયુ હેઠળની ટેકનિકલ કોલેજો તથા તમામ સરકારી યુનિ.ઓ સંલગ્ન યુજી-પીજી કોલેજોમાં પણ નવુ શૈક્ષણિક સત્ર શરૃ થશે અને કોલેજોમાં પણ ઓનલાઈન કલાસ જ ચાલશે.કોલેજોમાં નવા પ્રવેશ બાકી હોવાથી યુજી-પીજી પ્રથમ સેમ.નું શિક્ષણ હાલ શરૃ નહી થાય.