અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે જેના કારણે રાજ્ય સરકારે પ્રતિબંધો હળવા કર્યાં છે. તા.7મી જૂનથી ગુજરાતમાં સચિવાલયથી માંડીને સરકારી કચેરીઓ ધમધમતી થશે.
દોઢેક મહિનાથી વધુ સમયથી બંધ સરકારી કચેરીઓમાં હવે કર્મચારીઓની સો ટકા હાજરી ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોની અવરજવર જોવા મળશે. માત્ર સરકારી જ નહીં,ખાનગી ઓફિસોમાં ફૂલ સ્ટાફ સાથે શરૂ થઇ જશે. સોમવારથી ગુજરાતમાં જાણે ફરી જનજીવન રાબેતા મુજબ ધબકતુ થશે.
કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ છે. ગુજરાતમાં હજારો લોકોએ કોરોનાની મહામારીમાં જાન ગુમાવ્યાં છે. એટલું જ નહીં, સરકારી કર્મચારીઓ-અિધકારીઓ પણ કોરોનાથી બાકાત રહી શક્યા ન હતાં.
જેના કારણે પ્રાથમિક તબક્કામાં સરકારી કચેરીઓ બઁધ કરવા સરકારે આદેશ કર્યો હતો જયારે થોડુક સંક્રમણ હળવુ થતાં સરકારી કચેરીઓમાં 50ટકા કર્મચારીઓેને હાજરી ફરજિયાત બનાવાઇ હતી. જોકે, શનિ-રવિ સરકારી કચેરીઓ બંધ પણ રખાઇ હતી. આવતીકાલ તા.7મીથી 100 ટકા હાજરી સાથે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ હાજર રહેશે.
કોરોનાના લીધે રેશનકાર્ડથી માંડીને જમીનોને લગતાં કામો અટકી પડયા હતાં. કોરોનાના ડરને લીધે લોકોની સરકારી કચેરીઓમાં જવાનુ ય ટાળી રહ્યાં હતાં. હવે જયારે કોરોનાના કેસો ઘટયાં છે ત્યારે સરકારી કચેરીઓમાં ફરી લોકોની અવરજવર વધશે.સરકારી કચેરીઓમાં માસ્ક-સોશિયલ ડિસટન્સનું પાલન કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
સચિવાલય પણ ઘણાં સમય બાદ ધમધમતુ થશે. કોરોનાના ડરને કારણે મંત્રીઓ પણ મુલાકાતીઓ ને મળવાનુ ટાળી રહ્યાં હતાં. એટલું જ નહીં, કેટલાંય મંત્રીઓ કોરોનાની ચપેટમાં ય આવ્યા હતાં જેથી તેઓ સચિવાલયમાં આવતા જ ન હતાં.
કોરોનાના ડરથી સચિવાલય પણ મુલાકાતીઓ વિના સૂમસામ ભાસતુ હતું. માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત સચિવાલયમાં હવે 100 ટકા કર્મચારીઓની હાજરી જોવા મળશે. આંશિક લોકડાઉનને લીધે બંધ ખાનગી ઓફિસો પણ હવે ફુલ સ્ટાફ સાથે કાર્યરત થઇ જશે. સરકારના આ નિર્ણયને લીધે વેપારીઓ-વ્યવસાયકારો આવકારી રહ્યાં છે. ગુજરાત અનલોક થતાં ફરી વેપાર ધંધા શરૂ થતાં ડગમગુ થયેલું આૃર્થતંત્ર પાટા પર આવી જશે.
નીચલી અદાલતો ય શરૂ, પ્રત્યક્ષ સુનાવણી થશે
સોમવારથી રાજ્યની તમામ નીચલી અદાલતો પણ શરૂ થશે. માત્ર માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં આવતી અદાલતોમાં વિડીયો કોન્ફરન્સથી સુનાવણી થશે. નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે. બે મહિના બાદ અદાલતો ય ધમધમતી થઇ જશે. ગુજરાત હાઇકોર્ટ આ નિર્ણય લીધો હતો. તમામ અદાલતોમાં માસ્ક -સોશિયલ ડિસટન્સનું પાલન થાય તેનુ ધ્યાન રાખવા તાકીદ કરાઇ છે. જોકે,હાઇકોર્ટમાં હજુ ઓનલાઇન જ સુનાવણી થઇ રહી છે.
આજથી 50 ટકા મુસાફરો સાથે એએમટીએસ-બીઆરટીએસ દોડશે
કોરોનાની બીજી લહેરને કારણે રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં એએમટીએસ-બીઆરટીએસને બંધ કરી દીધી હતી. તા.18મી માર્ચે એએમટીએસ-બીઆરટીએસને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે જયારે કોરોનાના કેસો ઘટયાં છે ત્યારે રાજ્ય સરકારે લીલીઝંડી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ સોમવારથી એએમટીએસ-બીઆરટીએસ શરૂ કરવા નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યૂ અમલમાં હોવાથી સવારથી 6થી રાત્રિના 8 વાગ્યા સુધી જ બસો દોડશે. કોરોનાનું સંક્રમણ વધે નહી તેની તકેદારીના ભાગરૂપે બસોમાં 50 ટકા મુસાફરોને બેસાડવામાં આવશે.