પિઝા-બર્ગરની હોમ ડિલિવરી થઈ શકતી હોય તો રાશનની કેમ નહીં?

નવી દિલ્હી : દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની રાશન ઘરે-ઘરે પહોંચાડવાની યોજનાને કેન્દ્ર સરકારે અટકાવી દીધી હોવાનો દાવો કર્યાના એક દિવસ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આક્ષેપ મૂક્ય હતો કે, કેન્દ્રએ રાશન માફિયાના પ્રભાવ હેઠળ આવી જઈને આ નિર્ણય લીધો છે. તેમણે વધુ એક વેધક સવાલ પૂછતાં કહ્યું હતુ કે, જો પિઝા-બર્ગર, સ્માર્ટ ફોન, કપડાંની હોમ ડિલિવરી થઈ શકતી હોય તો રાશનની કેમ નહીં ?

દિલ્હી સાથે કેન્દ્ર સરકાર ઓરમાયું વર્તન કરી રહી હોવાનો આક્ષેપ મૂકતાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં ચાલુ સપ્તાહથી ઘરે-ઘરે રાશન પહોંચાડવાની યોજના શરૂ થવાની જ હતી, તેના બે દિવસ પહેલા કેન્દ્રએ તેને અટકાવી દીધી છે. કેન્દ્ર કહે છે કે, તમે આ માટે મંજુરી લીધી નહતી. જોકે આ યોજના માટે અમે એક નહીં પાંચ વખત મંજુરી લીધી હતી.

કાનુની રીતે તો અમારે આ યોજના માટે મંજુરી લેવાની ન હોય પણ શિષ્ટાચાર અંતર્ગત અમે આમ કર્યું હતુ. રાશનની હોમ ડિલિવરી કેમ ન થવી જોઈએ ? તમે રાશન માફિયાની સાથે ઉભા રહેશો તો ગરીબોની સાથે કોણ ઉભું રહેશે ? એ 70 લાખ ગરીબોનું શું થશે કે જેમનું રાશન આ રાશન માફિયા ચોરી લે છે.

કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 75 વર્ષથી દેશની જનતા રાશન માફિયાઓનો ભોગ બનતી આવી છે. 17 વર્ષ પહેલા મેં તેમની સામે અવાજ ઉઠાવ્યો તો અમારી પર 7 વખત ખતરનાક હુમલા થયા. ત્યારે મેં સોગંદ લીધા હતા કે, ક્યારેક તો આ સિસ્ટમને સરખી કરીશ.

આ માટે જ ઘર-ઘર રાશન યોજના ઘડી હતી.  કેન્દ્ર સરકારે કેજરીવાલના આ દાવાને નકારી કાઢ્યો છે. કેન્દ્રએ જણાવ્યું છે કે, દિલ્હી સરકારે ગમે તે રીતે રાશનનું વિતરણ કરી શકે છેે. અમે તેમને અટકાવ્યા નથી. અમે તો ઉલ્ટાનું દિલ્હી સરકારને વધારાનું રાશન આપવાની તૈયારી બતાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *