સુરતમાં થોડા દિવસો પહેલા લૂંટેરી દુલ્હન એન્ડ ગેંગ સામે વરાછા પોલીસ મઠકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યાં સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરી બે મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને દુલ્હન ફરાર થઇ ગયી હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પહેલા પતિ સાથે ડિવોર્સ લઇ લગ્ન કરશે તેમ જણાવ્યું હતું
સુરતમાં લૂંટેરી દુલ્હન એન્ડ ગેંગ સર્કીય થઇ હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા વરાછા પોલીસ મથકમાં આવો જ એક ગુનો નોધાયો હતો. જેમાં વરાછા પોલીસ હજુ તપાસ કરી રહી છે ત્યાં આવી જ એક વધુ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. જેમાં લગ્નના માત્ર બે મહિનામાં જ લૂંટેરી દુલ્હન ૪.૫૦ લાખની મત્તા કરી ફરાર થઇ ગયી હતી. ઘટનાને વિગતવાર જોઈએ તો સુરતના સરથાણામાં શામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે.
છ મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી નામની મહિલા ખરીદી માટે આવતી હતી. મમતા મુળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે. ત્યારે મમતાએ હરસુખને કહ્યું હતું કે, કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે. એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે.
લગ્નના બે મહિનામાં દાગીના અને રોકડ લઇ થઈ ફરાર
નરેશ શિયોરાએ તૈયારી બતાવતા બંનેએ તારીખ 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે મમતાની માતા અને નરેશના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સારી રીતે રહેવા લાગ્યા હતા. 7 એપ્રિલના રોજ નરેશની ફોઈની દીકરીનું મામેરુ હોય નરેશના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમજ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા. તારીખ 25 માર્ચની રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. આ મામલે તપાસ કરતા તેનો ફોન પણ બંધ હતો. જેથી નરેશભાઈએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા
પત્ની દાગીના લઈને ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડતા નરેશ ભાઈએ તેઓના સબંધી હરસુખભાઈને ત્યાં તપાસ કરી હતી. પરંતુ હરસુખને આ મામલે કોઈ જાણકારી ન હોવાનું કહ્યું હતું. પરંતુ નરેશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી 50 હજાર રૂપિયા લીધા હતા. આ મામલે નરેશ શિરોયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.