Pfizer 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર રસીની ટ્રાયલ શરૂ કરશે

અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝર હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પોતાની રસીની મોટા પાયે ટ્રાયલ કરવા જઈ રહી છે. ફાઈઝરે મંગળવારે કહ્યું કે આ સ્ટડીમાં અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનમાં 90થી વધુ ક્લિનિકલ સાઈટ્સ પર 4500 બાળકો પર ટ્રાયલ હાથ ધરાશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ નાના બાળકોમાં ટ્રાયલની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

બાળકોની સહનશીલતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કામાં 144 બાળકો પર થયેલી ટ્રાયલમાં બે ડોઝ આપ્યા બાદ તેમની રોગ પ્રતિકારક શક્તિનો અભ્યાસ થઈ ચૂક્યો છે. આ દરમિયાન મળેલી ઈન્યુનિટી રિસ્પોન્સ બાદ ફાઈઝરે કહ્યું કે હવે કંપની 5થી 11 વર્ષની ઉંમરના બાળકોમાં 10 માઈક્રોગ્રામ અને 6 માસથી 5 વર્ષની એજ ગ્રુપના બાળકો પર 3 માઈક્રોગ્રામના ડોઝનું પરીક્ષણ કરશે.

જલદી મળી શકે છે સારા સમાચાર
ફાઈઝરના પ્રવક્તાએ કહ્યું કે કંપની સપ્ટેમ્બરમાં 5થી 11 વર્ષના બાળકોના ડેટા મળે તેવી આશા સેવે છે અને કદાચ તે મહિનાના અંતમાં સંબંધિત દેશોના ડ્રગ રેગ્યુલેટર્સ પાસે રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવશે. તેમણે કહ્યું કે 2થી 5 વર્ષના બાળકો માટેનો ડેટા પણ જલદી આવી શકે છે.

ફાઈઝરના એક્સપર્ટ્સનું માનવું છે કે 5થી 11 વર્ષના બાળકો પર થયેલી ટ્રાયલનો ડેટા સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. જ્યારે 6 મહિનાથી લઈને 2 વર્ષની ઉંમરના બાળકોનો ડેટા આ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બરમાં ગમે ત્યારે મળી શકે છે. ત્યારબાદ આ એજ ગ્રુપ માટે પણ ઈમરજન્સી યૂઝની મંજૂરી માટે અરજી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *