રસીના ભાવ નિશ્ચિત : કોવિશિલ્ડના રૂ. ૭૮૦, સ્પુતનિકના રૂ. ૧,૧૪૫, કોવેક્સિનના રૂ. ૧૪૧૦

કેન્દ્ર સરકારે મંગળવારે રસીકરણ અભિયાનની સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ નોન-ટ્રાન્સફરેબલ ઈલેક્ટ્રોનિક વાઉચર્સ દ્વારા ગરીબો ખાનગી કેન્દ્રોમાં રસી મેળવી શકશે. વધુમાં સરકારે ખાનગી હોસ્પિટલો માટે કોરોનાની રસીની ભાવ મર્યાદા નિશ્ચિત કરી છે.

નવી માર્ગદર્શિકા હેઠળ નવા રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ ખાનગી હોસ્પિટલો સહિત ખાનગી કેન્દ્રો માટે કોવિશિલ્ડના રૂ. ૭૮૦, સ્પુતનિક-વીના રૂ. ૧,૧૪૫ અને કોવેક્સિનના રૂ. ૧૪૧૦ ભાવ નિશ્ચિત કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે ખાનગી કેન્દ્રો રસીના નિશ્ચિત ભાવથી વધુ રૂપિયા ન લે તે જોવાની જવાબદારી રાજ્યોની રહેશે. ખાનગી કેન્દ્રો રસીની કિંમત પર પ્રતિ ડોઝ રૂ. ૧૫૦ સર્વિસ ચાર્જ લઈ શકશે.

નવી માર્ગદર્શિકા મુજબ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મંજૂર કરાયેલા નોન-ટ્રાન્સફરેબલ ઈલેક્ટ્રોનિક વાઉચર્સ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રોમાં કોરોનાની રસી મેળવી શકશે. કો-વિન પ્લેટફોર્મ પ્રત્યેક નાગરિકને તેમની સાનુકૂળતાએ રસીકરણ માટે અપોઈન્ટમેન્ટ બૂક કરવાની સુવિધા પૂરી પાડશે જ્યારે બધા જ સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો ઉપર જઈને પણ નાગરિકો નોંધણી કરાવીને સ્થળ પર જ રસી લઈ શકશે. વધુમાં એક વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ પણ આ રસીકરણ કેન્દ્રો પર રસી મેળવી શકશે. આ માટે વિગતવાર પ્રક્રિયા તૈયાર કરાઈ રહી છે, જે ટૂંક સમયમાં રાજ્યોને અપાશે. નવી માર્ગદર્શિકા ૨૧મી જૂનથી અમલી બનશે. આ સાથે કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી આપી છે કે રસીનો બગાડ થશે તો રસીની ફાળવણી પર નકારાત્મક અસર પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ૨૧મી જૂનને યોગ દિવસથી રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમના અમલ માટે સરકારે મંગળવારે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા રસીકરણ અભિયાન મુજબ દેશમાં રસી ઉત્પાદકો પાસેથી કુલ રસીના ૭૫ ટકા ખરીદી કેન્દ્ર કરશે જ્યારે ૨૫ ટકા ખરીદી ખાનગી હોસ્પિટલો કરશે. કેન્દ્ર રસી ખરીદીને રાજ્યોને મફતમાં રસી આપશે. લોક કલ્યાણની ભાવનાને પ્રોત્સાહન આપવા નોન-ટ્રાન્સફરેબલ ઈલેક્ટ્રોનિક વાઉચર્સ મારફત સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ખાનગી કેન્દ્રોમાં રસી લેવાની સુવિધા પૂરી પડાશે. ખાનગી હોસ્પિટલોની રસીની એકત્રીત માગના આધારે કેન્દ્ર તેમને રસી પૂરી પાડશે અને નેશનલ હેલ્થ ઓથોરિટીના ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ મારફત તેમને ચૂકવણી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *