પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે આવેલા ભારતીય ઉચ્ચાયોગ પર ભારે મોટું જોખમ વર્તાઈ રહ્યું છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર પણ સુરક્ષામાં ભારે બેદરકારી વર્તી રહી છે. ભારતે ઉચ્ચાયોગની સુરક્ષા વ્યવસ્થામાં પાકિસ્તાનના ઢીલા વલણને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ભારત સરકારે તાજેતરમાં જ પાકિસ્તાનને ભારતીય ઉચ્ચાયોગ બહાર એક કથિત સુરક્ષા ઉલ્લંઘન મુદ્દે તપાસ કરવા જણાવ્યું છે. જાણવા મળ્યા મુજબ મે મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન ઈસ્લામાબાદ ખાતે આવેલા ભારતીય ઉચ્ચાયોગ બહાર હાઈ સિક્યોરિટી ઝોન એટલે કે રાજદ્વારી એન્ક્લેવમાં કેટલીક વિચિત્ર ગતિવિધિઓ જોવા મળી હતી. ભારતીય ઉચ્ચાયોગ બહાર લોકો માટે પ્રતિબંધિત ક્ષેત્રમાં એક ગાડી આવીને ઉભી રહી હતી. તેમાં રહેલા લોકો પીપીઈ કીટ સહિતની કોવિડ-19 રાહત સામગ્રીના બોક્સ ઉતારતા જોવા મળ્યા હતા. તે પૈકીના એક વ્યક્તિએ બોક્સ સાથે ઉભા રહીને તસવીરો પણ ક્લિક કરી હતી. આ તસવીરોના બેકગ્રાઉન્ડમાં ભારતીય ઉચ્ચાયોગ જોવા મળ્યું હતું. નોંધનીય વાત એ છે કે, જે જગ્યાએ તસવીરો ક્લિક કરવામાં આવી ત્યાં ફોટોગ્રાફી પ્રતિબંધિત છે.
જાણવા મળ્યા મુજબ તે લોકોની સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ હતા જેથી સ્થાનિક અધિકારીઓએ આ અભ્યાસમાં મદદ કરી હોવાની શંકા છે. ભારતીય અધિકારીઓએ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને પાકિસ્તાનને સત્તાવાર તપાસ માટે કહ્યું છે. જોકે હજુ સુધી તે ઘટના પાછળનો ઉદ્દેશ્ય સામે નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, ઉચ્ચાયોગમાં એક સામાન્ય પાકિસ્તાની નાગરિકને પણ પ્રવેશ માટે વિશેષ મંજૂરી મેળવવી પડે છે.