દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા પેઢીને નશાની લત લગાડી ગાંજાનું વાવેતર તથા વેચાણ કરવા સબબ એસ.ઓ.જી. પોલીસે ગત રાત્રીના સમયે કડક કાર્યવાહી કરી ૭૦ વર્ષીય વૃદ્ધને ૬.૨૦ લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગેની વિગત મુજબ દ્વારકા પંચકમાં પોલીસ તંત્રના પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ દ્વારા દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા રામેશ્વર વિસ્તારમાં શ્રી રામદેવપીરના મંદિરની બાજુમાં અન્નક્ષેત્ર ચલાવતા બાલુભાઈ રાજાભાઈ ભવાનભાઈ ખાવડીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધને ત્યાં મોડી રાત્રીના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે પોલીસ કાર્યવાહી દરમ્યાન ઉપરોક્ત વૃધ્ધ દ્વારા પોતાના અંગત ફાયદા માટે પોતાના કબજા ભોગવટાના મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ (ગાંજા) નું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.
આ અંતર્ગત પોલીસે જરૂરી કાર્યવાહી કરી, ઉપરોક્ત દ્વારા વાવવામાં આવેલ ગાંજાના આશરે ૫૬.૭૮૬ ગ્રામ વજનના અને રૂ. ૫,૬૭,૮૬૦/- ની કિંમત ધરાવતા ૪૩ નંગ લીલા છોડ તેમજ રૂ. ૫૩,૧૪૦/-ની કિંમતના પાંચ કિલો ૩૧૩ ગ્રામ સુકો ગાંજો અને રૂપિયા ૫૦૦ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન પોલીસે કબ્જે કર્યો છે.
આમ, રૂ. ૬,૨૦,૪૯૦/- ની કિંમતના ૬૨.૦૪૯ કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે બાલુભાઇ રાજાભાઈ ખાવડીયાની અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબ્જો દ્વારકા પોલીસને સોંપ્યો છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ અગાઉના વર્ષોમાં રેલવેમાં ફરજ બજાવતા અને આ જગ્યામાં રહેતા બાલુભાઈ છેલ્લા ઘણા સમયથી ગાંજાનું વાવેતર કરતા હતા. બનાવ અંગે દ્વારકા પોલીસે એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. એ.ડી. પરમારની ફરિયાદ પરથી આરોપી બાલુભાઈ રાજાભાઈ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.