આવતીકાલથી ધાર્મિક સ્થાનો ખોલી શકાશે, જાણો રાજ્યના ક્યા મોટા મંદિર ખુલશે અને ક્યા મંદિર હજુ બંધ રહેશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ 11મીથી ખુલી જશે. અંબાજી મંદિર 57 દિવસ બાદ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.

જ્યારે પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર પણ 11 જૂનથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે. માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે. ભાવનગરના ખોડીયાર મંદિર 11મીથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલશે જ્યારે ડાકોર મંદિર અંગે આજે મીટિંગ મળશે.

રાજ્ય સરકારની નવી નવી ગાઇડ લાઇન જાહેર થયા બાદ કચ્છનું માતાનામઢ માં આશાપુરાનું મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલશે. જો કે અહીં કોરોનાકાળના કારણે અતિથીગ્રહ અને ભોજનશાળા હજી પણ બંધ રહેશે.

નોંધનીય છે કે, ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કોરોનાના કેસ હળવા થતાં અમુક છુટ આપવામાં આવી છે. 11 જુનથી જામનગર સહીત રાજ્યની તમામ દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખોલી શકાશે. ધાર્મિક સ્થાનો, હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ પણ નક્કી કરેલ ગાઈડલાઈન મુજબ ખોલી શકાશે. ટેક અવેને રાત્રીના 9 વાગ્યા સુધી તેમજ હોમ ડીલીવરીને રાત્રે 12 વાગ્યા સુધી છુટ આપવામાં આવી છે. 11 જૂનથી 26 જૂન સુધી આ નિર્ણય અમલી રહેશે. રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રે 9 સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન 26 જુન સુધી દરરોજ કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *