હાજીપુર : બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાજેતરની નવી ઘટના વૈશાલી જિલ્લાના હાજીપુરમાં સામે આવી છે. અહીં ધોળા દિવસે બાઇક પર આવેલા પાંચ અપરાધીઓ એચડીએફસી બેંકમાંથી 1.19 કરોડ રૂપિયા લૂટીને ફરાર થઇ ગયા છે.
ગુરૂવારે સવારે બેંક ખુલ્યાના થોડાક જ સમય પછી સવારે 11 વાગ્યે અપરાધીઓ બેંક પરિસરમાં ઘૂસ્યા હતા અને તેમણે બેંકનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેમણે બેંક કર્મચારીઓ અને એક ગ્રાહકને બંધક બનાવી લૂટને અંજામ આપ્યો હતો.
અપરાધીઓ ગ્રાહકના 44 હજાર રૂપિયા પણ લૂટીને ભાગી ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ અિધકારીઓ બેંકમાં પહોંચી ગયા હતાં. પોલીસ બેંકમાં અને અને તેની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. એચડીએફસી બેંકની જે શાખામાં લૂટ કરવામાં આવી છે તે બેંક કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયના ઘરની નજીક જ આવેલી છે.
તેના પરથી અંદાજ મૂકી શકાય છે કે ગુનેગારોની હિંમત કેટલી વધી ગઇ છે. હાજીપુર સદર સબ ડિવિઝનલ પોલીસ અિધકારી રાઘવ દયાલે જણાવ્યું હતું કે આ ઘટના ગંગા બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જરૂઆ બજાર વિસ્તારમાં બની હતી.
એસપી મનિષના જણાવ્યા અનુસાર ઘટનાની તપાસ કરવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 19 મેના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર પોલીસ સ્ટેશનના એનએચ-28 સિૃથત સ્ટેટ બેંકની શાખામાં 7.45 લાખ રૂપિયા લૂટ થઇ હતી.