રૃ. ૨૭૯૦ કરોડની લેવડદેવડમાં દેશના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જને ઇડીની નોટિસ

બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં ખરીદ વેચાણ કરાવનાર દેશના સૌથી મોટા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ ઇડીની રડાર પર છે. ઇડીએ  હજારો કરોડ રૃપિયાના કેસમાં  એક્સચેન્જ સામે કેસ દાખલ કર્યો છે. દેશના સૌથી મોટા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જને કારણદર્શક નોટીસ જારી કરવામાં આવી છે. એક્સચેન્જને આ નોટિસ ૨૭૯૦ કરોડ રૃપિયાની લેવડદેવડમાં ફેમા(ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ)ની જોગવાઇઓના ભંગ બદલ ફટકારવામાં આવી છે.

આ એક્સચેન્જ વઝીરએક્સની સ્થાપના ડિસેમ્બર, ૨૦૧૭માં ઝન્માઇ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી. તેની રચના ડોેમેસ્ટિક ક્રિપ્ટોકરન્સી સ્ટાર્ટઅપ તરીકે કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસના અંતે જે નોટિસ જારી કરવામાં આવી છે તેમાં એક્સચેન્જના નિર્દેશક નિશ્ચલ સેઠી અને હનુમાન મહાત્રેના પણ નામ છે.

ઇડીએ જણાવ્યું હતું કે ચીનના નાગરિકની માલિકીવાળી ઓનલાઇન બેટિંગ એપથી સંબધિત મની લોન્ડરિંગની તપાસ દરમિયાન કંપનીને આ લેવડદેવડની માહિતી મળી હતી.

ઇડીએ જણાવ્યું હતું કે આ કારણદર્શક નોટિસ ૨૭૯૦.૭૪ કરોડ રૃપિયાના લેવડદેવડના સંદર્ભમાં છે. ઇડીએ જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ચીનના નાગરિકોએ ભારતીય રૃપિયાની જમા રકમને ક્રિપ્ટોકરન્સી ટેથેર(યુએસડીટી)માં બદલીને ૫૭ કરોડ રૃપિયાની અપરાધની કમાણીનું ધનશોધન કર્યુ હતું. ત્યારબાદ તેને બાઇનેંસ(કેમેન આઇલેન્ડમાં રજિસ્ટર્ડ એક્સચેન્જ) વોલેટને સ્થાનંતરિત કર્યુ હતું.

બાઇનેંસે ૨૦૧૯માં વઝીરએક્સને ખરીદી લીધું હતું. ઇડીનો આરોપ છે કે વઝીરએક્સે ક્રિપ્ટોકરન્સી દ્વારા વ્યાપક લેવડદેવડની મંજૂરી આપી હતી. વઝીરએક્સે  મની લોન્ડરિંગ અને આતંકવાદ વિરોધી કાયદા અને ફેમાનો ભંગ કરી જરૃરી દસ્તાવેજો મેળવ્યા વગર જ આ પરવાનગી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *