બાઈડેને H-1B વિઝાની ટ્રમ્પ સમયની પોલિસી બદલવાની જાહેરાત કરી

અમેરિકન ઈમિગ્રેશન એજન્સીએ મહત્વની જાહેરાત કરી હતી કે એચ-૧બી વિઝાની ટ્રમ્પ સમયની પોલિસી રદ્ કરવામાં આવશે અને તે પહેલાં જે પોલિસી લાગુ હતી તે જ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે અસંખ્ય ભારતીય આઈટી નિષ્ણાતોને રાહત થશે. એચ-૧બી વિઝા મેળવવાનું વધારે સરળ બનશે.
ધ યુએસ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે એચ-૧બી વિઝાને લગતી જે પોલિસી ટ્રમ્પે બનાવી હતી તે નાબુદ કરવામાં આવે છે. તેના બદલે બરાક ઓબામાના સમયમાં જે પોલિસી અસ્તિત્વમાં હતી એવી જ પોલિસી ફરીથી લાગુ કરાશે.
ટ્રમ્પે એચ-૧બી વિઝાની અરજીઓને તુરંત રદ્ કરવાની સત્તા ઈમિગ્રેશન અધિકારીઓને આપી હતી. તેના કારણે અસંખ્ય અરજદારોને વિઝા મળવા મુશ્કેલ બન્યા હતા. એ પહેલાં ઈમિગ્રેશન અધિકારીઓ પાસે એવી અમર્યાદ સત્તા ન હતી. અધિકારીઓ તુરંત અરજીને રદ્ કરી શકતા ન હોવાથી એક નિયત પ્રોસેસ ફોલો થતી હતી. તેના કારણે એચ-૧બી વિઝા મેળવવાની શક્યતા વધારે હતી, પરંતુ ટ્રમ્પની પોલિસીના કારણે અસંખ્ય આઈટી નિષ્ણાતો આ કેટેગરીના વિઝા મેળવવાથી વંચિત રહેતા હતા.
ઈમિગ્રેશન એજન્સીના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે પ્રમુખ જો બાઈડેનના સૂચન પ્રમાણે વિઝાનીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વિઝા પ્રક્રિયાને વધારે ઝડપી બનાવવા માટે પરિવર્તનો થઈ રહ્યાં હોવાનું ઈમિગ્રેશન વિભાગે કહ્યું હતું. ઈમિગ્રેશન વિભાગે અધિકારીઓને નોટિફિકેશન જારી કરીને કહ્યું હતું કે વિઝા રદ્ કરતા પહેલાં વધારે માહિતી મેળવો અને વધારે પુરાવા ઉમેરો. મજબૂત પુરાવા વગર વિઝા રદ્ કરવા નહીં.
ઉલ્લેખનીય છે કે જૂન-૨૦૧૮માં ડોનાલ્ડ ટ્રમ્પે વિઝાનીતિમાં ધરખમ ફેરફારો કર્યા હતા. તેના કારણે અગાઉ જેટલી સરળતાથી અમેરિકાના વિઝા મળતા હતા, તે મુશ્કેલ બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *