ઉત્તર પ્રદેશના રાજકારણમાં પરિવર્તનની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ શુક્રવારે સાંજે વડાપ્રધાન નિવાસ પર બેઠક કરી હતી. આ બેઠકમાં હવે કેન્દ્રીય કેબિનેટમાં વિસ્તરણ અંગે ચર્ચા થઈ હોવાની અટકળો વહેતી થઈ છે.
ભાજપના ટોચના ત્રણેય નેતાઓની બેઠકમાં કોરોનાકાળમાં કેન્દ્ર સરકારની કામગીરીનું આકલન કરવામાં આવ્યું હતું. આ બેઠક મંત્રીઓના પ્રદર્શનની સમિક્ષાના આધારે મોટા પરિવર્તનોના સંકેત આપે છે. મે ૨૦૧૯માં ફરીથી મોદી સરકારની રચના થયા પછીથી કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થયું નથી. વધુમાં ઉત્તર પ્રદેશમાં પણ કેબિનેટ વિસ્તરણ અંગે અટકળો ચાલી રહી છે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી ભાજપ તેની કામગીરીનું આકલન કરી રહ્યો છે. પાંચ રાજ્યોમાંથી ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જ્યારે પંજાબમાં કોંગ્રેસ સત્તા પર છે.
વડાપ્રધાને ગુરુવારે સાત મંત્રાલયો સાથે પોતાના આવાસ પર પાંચ ક્લાક કરતાં વધુ સમય સુધી બેઠક યોજી હતી અને કોરોના મહામારી દરમિયાન તેમના દ્વારા કરાયેલા કામોનું આકલન કર્યું હતું. મોદીએ જે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત કરી હતી, તેમાં ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર અને હરદીપ પુરીનો સમાવેશ થાય છે. સૂત્રોએ કહ્યું હતું કે ગુરુવારે સાંજે પાંચ વાગે શરૂ થયેલી બેઠક રાતે ૧૦ વાગ્યા સુધી ચાલી હતી. આ બેઠકમાં જેપી નડ્ડા પણ હાજર હતા.