પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટણી વ્યૂહરચનાના કામમાંથી વિરામ લેનારા પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ શરદ પવાર વચ્ચે 11 જૂન, શનિવારે લગભગ 4 કલાકની લાંબી બેઠક થઇ હતી. શરદ પવારના મુંબઈના સિલ્વર ઓક બંગલે યોજાયેલી આ બેઠક બાદ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે.
સત્તાવાર રીતે આ બેઠક બંગાળ અને તમિળનાડુની ચૂંટણી બાદ ભાજપ સામે વિપક્ષને મળેલી જીત અને મમતાના સમર્થન માટે આભારવિધિ અંગેની માનવામાં આવી રહી છે. પ્રશાંત કિશોર ના નજીકના સૂત્રો કહે છે કે પ્રશાંત કિશોર ચૂંટણીમાં મમતા બેનર્જી અને એમ.કે. સ્ટાલિનને ટેકો આપનાર દરેક નેતાને મળશે. બંને નેતાઓએ તાજેતરમાં સમાપ્ત થયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે.
2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષની તૈયારીઓ
પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાત અંગે અનેક પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે. પ્રશાંત કિશોર સાથે વ્યૂહરચનાકાર તરીકેની બીજી ઇનિંગની શરૂઆત કરી શકે છે. જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે શરદ પવારને અધ્યક્ષની સાથે સાથે વિપક્ષનો મુખ્ય ચહેરો બનાવવાની આ કવાયત છે.
વિપક્ષી પાર્ટીઓમાં ચર્ચા છે કે 2024 ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સામે વિપક્ષનો ચહેરો કોણ હશે. આ પ્રશ્નને લઈને પણ પ્રશાંત કિશોર અને પવારની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકને મમતા બેનાર્જીની વ્યૂહરચના સાથે પણ જોડવામાં આવી રહી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં NCP અને Congress સાથે ગઠબંધનમાં સરકાર ચલાવી રહેલી શિવસેના ના નેતા સંજય રાઉતે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે વિરોધી પક્ષોના ગઠબંધનની રચના માટે વાતચીત શરૂ થશે.