અમદાવાદ : કોરોનાએ જાણે વિદાય લીધી છે ત્યારે ગુજરાતમાં રાજકીય ગતિવિધી તેજ બની છે. એક તરફ, કમલમમાં ભાજપ પ્રદેશ પ્રભારી સાથે બેઠકોનો દોર જામ્યો છે ત્યારે ખોડલધામમાં પાટીદાર આગેવાનોએ પણ બેઠક યોજી પાટીદારોને રાજકીય પ્રભુત્વ મળે તે માટે બંધબારણે મનોમંથન કર્યુ હતું .
એટલું જ નહીં, આગામી વર્ષ 2022માં ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હશે તેવી રાજકીય ઇચ્છા વ્યક્ત કરાઇ હતી. સાથે સાથે આમ આદમી પાર્ટીના ય ભરપુર વખાણ કરવામાં આવ્યા હતાં જેથી પાટીદારોએ ત્રીજા મોરચાને સમર્થન આપવાનો ય રાજકીય ઇશારો કરી દીધો હતો. આ બધીય ગડમથલ વચ્ચે ગુજરાતના રાજકારણમાં નવાજૂનીનાએંધાણ વર્તાઇ રહ્યાં છે.
ગુજરાતમાં લેઉવા-કડવાને એક મંચ પર લાવવાના હેતુથી આયોજિત બેઠકમાં સરકારના વહીવટીતંત્રમાં જ નહીં,પાટીદારોને રાજકીય પ્રભુત્વ મળે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બંધબારણે સામાજીક-રાજકીય મનોમંથન બાદ સૂચક રાજકીય ઇશારો કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં ત્રીજો મોરચો કયારેય ફાવ્યો નથી.
પણ જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રજાલક્ષી કામો કરી રહ્યાં છે તે જોતાં લાગી રહ્યુ છે. ભવિષ્યમાં આપનું ગુજરાતમાં વર્ચસ્વ હશે. ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ આપે સારા કામો કર્યા છે.જોકે,આ રાજકીય નિવેદને ચર્ચા જગાવી છે. આ ઉપરાંત કોરોનાકાળમાં કયાંક તંત્ર ફેઇલ રહ્યુ હતું તે સૌએ જોયુ છે તે વાતનો ય ઉલ્લેખ કરીને નરેશ પટેલો ભાજપ સરકારની આડકતરી રીતે ટીકા કરી હતી.
પાટીદાર સંસ્થાઓને એક નેજા હેઠળ લાવી સંગઠનને વધુ મજબૂત કરવુ છે. હવે લેઉવા-કડવા નહીં પણ પાટીદાર જ લખાશે. સામાજીક બંધારણમાં ફેરફાર કરવાના હેતુ હતો પણ બેઠકનો મુખ્ય સાર રાજકીય રહ્યો હતો. નરેશ પટેલે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, પાટીદાર સમાજ ઘણો મોટો છે.
સરકાર અને વહીવટી તંત્રમાં પાટીદારોને સ્થાન મળે તેવુ ઇચ્છીએ છીએ. આ બેઠકમાં કોઇ મુખ્યમંત્રી કે પક્ષને સપોર્ટ કરવાનો મુદ્દો નથી. પણ જે પક્ષમાં પાટીદારો છે તેમનુ વર્ચસ્વ વધે તેની ચર્ચા કરાઇ છે.
પાટીદારે નેતાઓ એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે,આગામી વિધાનસભાની ચૂંટણીમાં સારા પક્ષને સમર્થન આપી સારા ઉમેદવારને જીતાડીશું. અત્યારે ભાજપ સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની અફવા ચાલી રહી છે ત્યારે પાટીદાર નેતાઓનું કહેવુ હતુંકે, જો વિસ્તરણ થશે તો,પાટીદારોને મહત્વ અપાય તે માટે સરકારને ભલામણ પણ કરીશું.વાવાઝોડામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકશાન પહોચ્યુ છે તે અંગે પણ સરકારમાં રજૂઆત કરવા નક્કી કરાયુ છે. આમ,પાટીદારોની બેઠકમાં પાટીદાર મુખ્યમંત્રી મુદ્દે ચર્ચા થતાં ગુજરાતનારાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.
ભાજપના ધારાસભ્યોની બેઠક પહેલાં જ ખોડલધામમાં બેઠક યોજવા પાછળનું કારણ શું….
છેલ્લાં છ મહિનામાં બીજી વાર પાટીદાર આગેવોની બેઠક મળી હતી. 15મીએ ભાજપના ધારાસભ્યોની બેઠક મળવાની છે તે પહેલાં જ પાટીદાર આગેવાનોની બેઠક યોજી હતી. પ્રેશર ટેકનીકના ભાગરૂપે જ આ આખીય બેઠક યોજવામાં આવી હોવાની ચર્ચા છે.બે કલાક સુધીની મેરેથોન બેઠકમાં એક જ ચર્ચા થઇ કે, પાટીદારોને રાજકીય અન્યાય થઇ રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણી હેવ પાટીદારોનો ઝોક કોની તરફ હશે તે અંગે અત્યારથી જ તરેહ તરેહની અટકળો વહેતી થઇ છે. નરેશ પટેલે એ વાતનો ખુલાસો કર્યો હતોકે, હું ચૂટણી લડવાનો નથી.
ત્રીજા મોરચાને ટેકો કે પછી ભાજપને આડકતરી રાજકીય ધમકી
પાટીદારોએ બેઠક યોજીને ભાજપને આડકતરી રીતે રાજકીય ધમકી આપી છે તેવી ચર્ચાએ જોર પકડયુ છે. સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસથી રિસાયેલાં પાટીદારોએ આપને સમર્થન આપ્યુ હતું જેના કારણે આપે જોરદાર દેખાવ કર્યો હતો. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ય પાટીદારો ત્રીજા મોરચાને ટેકો કરીને ભાજપને રાજકીય સબક શિખવાડવા રણનિતી ઘડી છે. પણ પાટીદાર આગેવાનો ભાજપ સરકાર-સંગઠન સામે ખુલ્લો વિરોધ કરી શકે તેમ નથી .માત્ર પ્રેશર ટેકનીકથી ભાજપને ડરાવવા ફરી બેઠકોનો દોર શરૂ કર્યો છે.