અમદાવાદ : આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ જ નહીં, આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. ભાજપે કમલમમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે તા. 14મી જૂને આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે.
પાટીદાર આગેવાનોઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માંગ્યુ છે. બીજી તરફ,ભાજપે ફરી 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી તૈયારીઓ શરૂ કરી છે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
આમ આદમી પાર્ટીના સત્તાવાર સૂત્રોના મતે, તા.14મી જૂને કેજરીવાલ સાડા દસેક વાગે અમદાવાદ આવી પહોચશે. આશ્રમરોડ ખાતે આપની મુખ્ય ઓફિસનું કેજરીવાલ ઉદઘાટન કરશે.તે વખતે કેટલાંક જાણીતા ચહેરા અને નેતાઓ-કાર્યકરો આમ આદમીમાં જોડાનાર છે.
કેજરીવાલ બપોર પછી સુરત પણ જશે.જયાં આપના મ્યુનિ.કોર્પોરેટરો ઉપરાંત સૃથાનિક નેતા-કાર્યકરો સાથે બેઠક યોજશે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.