કેન્દ્ર સરકારે શનિવારે કોરોના મહામારી સંબંધિત અનેક ઉત્પાદનો પર જીએસટીનો દર હટાવી દીધો છે અથવા ઘટાડી દીધો છે. કોરોના સંબંધિત રાહત સામગ્રી પર મંત્રી જૂથની ભલામણોને જીએસટી પરિષદે સ્વીકારી લીધી છે. જીએસટી પરિષદની ૪૪મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે જીએસટી પરિષદે બ્લેક ફંગસની દવાને કરમુક્ત કરી દીધી છે. આ નિર્ણયથી કોરોનાથી અસરગ્રસ્ત દર્દીઓને આંશિક રાહત મળશે. જોકે, કોરોનાની રસી પરના જીએસટી દરમાં કોઈ ફેરફાર કરાયો નથી. જોકે, પરીષદે સ્પષ્ટતા કરી છે કે જીએસટી દરમાં અપાયેલી છૂટછાટ સપ્ટેમ્બર સુધી જ અમલી રહેશે.
નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે જીએસટી પરિષદે શનિવારે કોરોના સંબંધિત અન્ય અનેક વસ્તુઓ પર કરનો દર ઘટાડી દીધો છે. દેશમાં બ્લેક ફંગસના વધતા કેસને ધ્યાનમાં રાખીને પરિષદે બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાતી એમ્ફોટેરિસિન બી દવા પર જીએસટીનો દર શૂન્ય કરી દીધો છે. બીજીબાજુ ટોસિલિઝુમેબ પર પણ ટેક્સ શૂન્ય કરી દેવાયો છે. જોકે, કોરોનાની દવા રેમડેસિવિર અને હેપરીન જેવી અન્ય એન્ટી કોગ્લેટ દવાઓ પર જીએસટીનો દર ૨૧ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે.
જીએસટી પરિષદે કોરોના સંબંધિત અન્ય રાહત સામગ્રીઓ પર પણ જીએસટીના દર ઘટાડી દીધા છે. પરીણામે હવે મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કન્સેન્ટ્રેટર, વેન્ટિલેટર, બાઈપેપ મશીન, હાઈ ફ્લો નેસલ કેનુલા (એચએફએનસી) અને કોવિડ ટેસ્ટિંગ કિટ પરનો જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. પરિણામે આ વસ્તુઓ સસ્તી થશે. સાથે જ હેન્ડ સેનેટાઈઝર અને થર્મોમીટર પર પણ જીએસટીનો દર પાંચ ટકા કરી દેવાયો છે. તેનાથી ગ્રાહકોને સીધો લાભ મળવાની આશા છે.
જોકે, જીએસટી પરિષદે કોરોનાની રસીઓ પરનો પાંચ ટકા જીએસટી હટાવ્યો નથી. બેઠક પછી નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર ૭૫ ટકા કોરોના રસી ખરીદી રહી છે અને તેના પર જીએસટી પણ ચૂકવી રહી છે. તેમજ સરકારી હોસ્પિટલોમાં લોકોને મફતમાં રસી આપી રહી છે. આથી રસી પર જીએસટી હટાવવાથી જનતાને સીધો કોઈ લાભ મળશે નહીં. જોકે, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોએ વારંવાર કોરોનાની રસી પર જીએસટી ખતમ કરવાની માગણી કરી હતી.
જીએસટી વ્યવસ્થામાં વાહનો અને અન્ય લક્ઝરી વસ્તુઓ પર ૨૮ ટકા જીએસટી લાગુ પડે છે. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જીએસટી પરિષદે એમ્બ્યુલન્સને આ શ્રેણીમાંથી બહર કરી દીધી છે. હવે એમ્બ્યુલન્સ પર ૨૮ ટકાની જગ્યાએ ૧૨ ટકા જીએસટી જ લાગશે. જોકે, આ છૂટ સપ્ટેમ્બર સુધી જ માન્ય છે. જીએસટી કાઉન્સિલે કોરોના સંબંધિત રાહત સામગ્રીઓ, બ્લેક ફંગસની દવા અને એમ્બ્યુલન્સ વગેરે પરનો જીએસટી દર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી માટે જ ઘટાડયો છે. આ નવા દર નવા બનેલા સામાન માટે હશે.
નાણામંત્રી સીતારામને કહ્યું કે, આજની બેઠકનો એક જ એજન્ડા હતો. બેઠકમાં પાછલી જીએસટી બેઠકમાં રચાયેલા મંત્રીઓના જૂથ દ્વારા કોરોના સંબંધિત ઉત્પાદનો પર ટેક્સમાં રાહત અંગે કરાયેલી ભલામણો સ્વીકારી લેવાઈ છે. જીએસટી દરમાં અપાયેલી રાહતો સંબંધિત જાહેરનામુ રવિવાર સુધીમાં જાહેર કરાશે.