અમદાવાદ : ખોડલધામમાં પાટીદાર આગેવાનોએ આગામી વિધાનસભામાં પાટીદાર મુખ્યમંત્રીપદ માગ્યુ છે જેના પગલે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે તો બીજી તરફ, ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ભાજપના પાટીદાર આગેવાનો સાથે વન ટુ વન બેઠક યોજી હતી જેને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. પાટીદારોની બેઠક બાદ ગુજરાતમાં જાણે ભાજપમાં જાણે રાજકીય કોલ્ડવોર જામ્યો છે.
છેલ્લાં કેટલાંય વખતથી ભાજપ સરકાર- સંગઠનમાં પાટીદાર નેતાઓ-ધારાસભ્યો હાંસિયામાં ધકેલાયાં છે તેવી ફરિયાદો ઉઠી છે. આ કારણોસર જ ભાજપના પાટીદાર નેતાઓ ય ઇચ્છી રહ્યાં છેકે, પાટીદારોને રાજકીય પ્રભુત્વ મળે. હવે જયારે ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર આગેવાનોની બેઠક મળતા જ ભાજપ સક્રિય બન્યુ છે.
સૂત્રોના મતે, ગુજરાતના પ્રવાસે આવેલાં ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કમલમમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ,ગોરધન ઝડફિયા સહિતના પાટીદાર નેતાઓ સાથે પણ વન ટુ વન બેઠકો કરી હતી. થોડાક દિવસો પહેલા ં સુરતમાં કેટલાંય ભાજપના સૃથાનિક નેતાઓ કેસરિયો ખેસ ઉતારી આપમાં પ્રવેશ કર્યો હતો.
આ મુદ્દે ય ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં જીઆઇડીસીના ચેરમેનના બંગલે પણ ભાજપના 25 નેતાઓ સાથે પ્રભારી યાદવે બેઠક યોજી હતી. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીલક્ષી ચર્ચા કરી ભૂપેન્દ્ર યાદવે નેતાઓને બધાયને સાથે લઇને ચાલો તેવો સંદેશો આપ્યો હતો.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસસૃથાને પણ બેઠક કરવામાં આવી હતી. ટૂંકમાં દિવસભર બેઠકોનો દોર જામ્યો હતો. કોરોનાકાળમાં સરકારે કરેલી કામગીરીની સમિક્ષા કરાઇ હતી. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ સધાતો નથી તેનીય ગંભીરતાથી નોંધ લેવાઇ હતી.