ગાંધીનગર : ગુજરાતમાં એન્ટી કરપ્શન અને તકેદારી આયોગ જેવી સંસ્થાઓની સતર્કતાના કારણે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ અને કર્મચારીઓને પકડવાનો દર વધી રહ્યો છે. આ દર પાંચ વર્ષ પહેલાં 50 ટકા હતો તે વધીને 96 ટકા થયો હોવાનો દાવો રાજ્યના ગૃહ વિભાગે કર્યો છે.
ગૃહ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે રોજની બે ફરિયાદોમાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. એવી જ રીતે તકેદારી આયોગમાં નોંધાયેલી ફરિયાદોમાં પણ ભલામણ પ્રમાણે વિભાગ પગલાં લઇ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદોની સંખ્યા 40660 આવી છે, જે સરકાર અને લોકોની સતર્કતા દર્શાવે છે.
એન્ટી કરપ્શન બ્યુરોની જેમ તકેદારી આયોગમાં ફરિયાદોની સંખ્યા વધી રહી છે. તકેદારી આયોગને જે ફરિયાદો મળી હતી તે પૈકી 3100 કસૂરવારો સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી જે પૈકી ગૃહ વિભાગે 800 જેટલા આક્ષેપિતો સામે અલગ અલગ પ્રકારની શિક્ષાના હુકમો કરવામાં આવ્યા છે.
તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે ભ્રષ્ટાચારના કિસ્સા અંગે તપાસ કરી તેને સાબિત કરવાનો દર 25 ટકા હતો તે વધીને 34 ટકા થયો છે. છેલ્લા ચાર વર્ષમાં સંડોવાયેલા આરોપીની સંખ્યા 371 હતી જે વધીને 729 થઇ છે. એટલે કે ભ્રષ્ટાચાર આચરતા આરોપીઓને પકડવાના દરમાં 96 ટકા જેટલો વધારો થયો હોવાનો દાવો કરવામાં આવે છે.
તકેદારી આયોગની જેમ સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર શોધવામાં એન્ટી કરપ્શન બ્યુરોની પણ મહત્વની ભૂમિકા રહી છે. છેલ્લા વર્ષમાં બ્યુરોએ 50 ટકા આરોપીને સજા કરાવી છે. બ્યુરોએ છેલ્લા પાંચ વર્ષમાં 1500થી વધુ છટકાં કરી લાંચિયા અધિકારી તેમજ કર્મચારીઓને પકડયાં છે, જો કે 400 કેસોમાં આ અધિકારીઓ છટકી ગયાં છે. વર્ષ દરમ્યાન એવરેજ 500 થી 700 કેસો સામે આવે છે.
એસીબીના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતના ટોપ ફાઇવ ભ્રષ્ટ વિભાગોમાં શહેરી વિકાસ વિભાગ 1500થી વધુ ફરિયાદો સાથે પહેલા નંબર પર આવે છે. બીજાક્રમે 1280ના આંકડા સાથે પંચાયત વિભાગ, ત્રીજાસ્થાને 1154 સાથે મહેસૂલ, ચોથા નંબરે 925ના આંકડા સાથે ગૃહ અને પાંચમા ક્રમાંકે 151 સાથે શિક્ષણ વિભાગનો ક્રમ આવે છે. રાજ્યના 26 વિભાગોમાં ભ્રષ્ટાચારની કુલ 8200 જેટલી ફરિયાદો વર્ષ દરમ્યાન થઇ છે.