લખનઉ : દેશમાં વર્ષોની કાયદાકીય લડાઈ પછી અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એવામાં મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર રામના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો આક્ષેપ થયો છે. આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહ તથા સમાજવાદી પાર્ટીના અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય પવનપાંડેએ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે રૂ. 2 કરોડની જમીન રામજન્મભૂમિ ટ્રસ્ટે રૂ. 18.5 કરોડમાં ખરીદીને 16 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ કેસમાં CBI તેમજ EDની તપાસની માગણી કરી છે.
આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પક્ષના અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ રવિવારે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરીને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી રૂ. 2 કરોડની જમીન રૂ. 18.5 કરોડમાં ખરીદી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે આ સીધે સીધો મની લોન્ડરિંગનો કેસ છે અને સરકારે તેની CBI તથા ED પાસે તપાસ કરાવવી જોઈએ. આ કૌભાંડના રૂપિયા કોની કોની પાસે ગયા તેની તપાસ થવી જોઈએ.
આપ નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરતા કહ્યું કે ભગવાન શ્રીરામ જેના પ્રત્યે કરોડો લોકોની આસ્થા છે. જેના નામ પર ગરીબ ખેડૂતથી લઈને ફેક્ટરીના મજૂરે પણ ઉદાર હાથે દાન આપ્યું છે. કોઈ નહીં જાણતું હોય હોય કે જે ટ્રસ્ટને દાન આપ્યુ છે, તેણે મસમોટુ કૌભાંડ કરી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે, મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના નામ પર કોઈ કૌભાંડ કરવાની હિમ્મત કરે, ચંપત રાયે રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામ ઉપર કરોડો રૂપિયા હડપી લીધા છે.
તેમણે દાવો કર્યો કે અયોધ્યા સદર તાલુકાના બાગ બિજૈસી ગામમાં ગાડા નંબર 243, 244 અને 246ની જમીન જેનું ક્ષેત્રફળ 12 હજાર 80 વર્ગ મીટર છે તે સુલ્તાન અન્સારી અને રવિ મોહન તિવારી નામની વ્યક્તિઓએ 18મી માર્ચે 2021ના રોજ કુસુમ પાઠક અને હરીશ પાઠક પાસેથી રૂ. 2 કરોડમાં ખરીદી હતી. આ જમીન ખરીદીમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી બન્યા હતા. આ જમીન સાંજે 7.10 મિનિટ પર ખરીદવામાં આવી હતી.
આ કરારની બરાબર પાંચ મિનિટ પછી ચંપત રાયે આ જ જમીન સુલ્તાન અંસારી અને રવિ મોહન પાસેથી રૂ. 18.5 કરોડમાં ખરીદી લીધી. તેમાંથી 17 કરડો રૂપિયા RTGS મારફત બાના સ્વરૂપે અપાયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે બે કરોડમાં ખરીદવામાં આવેલી જમીનનો ભાગ લગભગ પ્રતિ સેકન્ડ સાડા પાંચ લાખ રૂપિયા વધી ગયો. હિન્દુસ્તાન તો શું આખી દુનિયામાં ક્યાંય પણ કોઈ જમીનનો ભાવ આટલી ઝડપથી વધતો નથી.
સંજય સિંહે કહ્યું કે રસપ્રદ બાબત એ છે કે જે મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય બે કરોડની જમીન ખરીદીમાં સાક્ષી હતા તે જ બંને ટ્રસ્ટના નામે જમિન ખરીદીમાં પણ સાક્ષી બની ગયા. આ સ્પષ્ટરૂપે મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારનો કેસ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને તાત્કાલિક ED અને CBI મારફત આ કેસની તપાસ કરાવી તેમાં સામેલ ભ્રષ્ટાચારી લોકોને જેમાં નાંખવા વિનંતી કરું છું. કારણ કે આ દેશના કરોડો રામભક્તોની આસ્થાની સાથે કરોડો લોકો સાથે વિશ્વાસનો પણ સવાલ છે.
આપ સાંસદે કહ્યું કે આ કેસમાં એગ્રીમેન્ટના સ્ટેમ્પના સમય અને સેલ ડીડના સ્ટેમ્પના સમય અંગે પણ સવાલો ઊભા થાય છે. જે જમીન પાછળથી ટ્રસ્ટને વેચવામાં આવી તેના સ્ટેમ્પ પેપર સાંજે 5.11 વાગ્યે ખરીદવામાં આવ્યા અને જે જમીન પહેલા રવિ મોહન તિવારી અને અંસારીએ ખરીદી તેના સ્ટેમ્પ પેપર સાંજે 5.22 વાગ્યે ખરીદવામાં આવ્યા. આપ પ્રવક્તાએ કહ્યું કે, કોઈપણ ટ્રસ્ટમાં જમીન ખરીદવા માટે બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવે છે. એવામાં માત્ર પાંચ જ મિનિટમાં કેવી રીતે રામ મંદિર ટ્રસ્ટે આ દરખાસ્ત પાસ કરી લીધી અને તુરંત જમીન ખરીદી લીધી.