LJP ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 15 જૂન, મંગળવારે સંસદીયદળના નેતા પશુપતિ કુમાર પારસના ઘરે મળી હતી. બેઠકમાં સર્વસંમતિથી ચિરાગ પાસવાન ને રાષ્ટ્રીય અધ્યક્ષપદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ સૂરજભાણસિંહની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.LJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
માતાને અધ્યક્ષ બનાવવા માંગતા હતા ચિરાગ
પક્ષ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાના પ્રયાસોના ભાગ રૂપે ચિરાગ પાસવાન 14 જૂન સોમવારે દિલ્હીમાં તેના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે ગયા. મીડિયા અહેવાલો પ્રમાણે ચિરાગ પાસવાન તેમની માતા રીના પાસવાનને LJP ના અધ્યક્ષ બનાવવાની શરત સાથે પોતે રાજીનામું આપશે તેવી દરખાસ્ત લઈને આવ્યા હતા. ચિરાગ પાસવાને લગભગ દોઢ કલાક રાહ જોઈ. પણ પશુપતિ કુમાર પારસના ઘરના દરવાજા ન ખુલ્યા.
એકલા પડ્યા ચિરાગ પાસવાન
સ્વાભાવિક છે કે ચિરાગ પાસવાન સિવાય પાર્ટીના પાંચેય સાંસદોના સમર્થનને લીધે પશુપતિ કુમાર પારસનું પલડું આ સમયે ભારે લાગી રહ્યું છે. તેઓ કોઈ પણ પ્રકારનાં સમાધાનની તરફેણમાં નથી પરંતુ પક્ષને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવા માંગે છે. ચિરાગનો પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ પણ હાલમાં કાકા પારસ સાથે છે. આવી સ્થિતિમાં ચિરાગ પાર્ટીમાં સંપૂર્ણ રીતે એકલા છે.
પાર્ટી માતા સમાન હોય છે : ચિરાગ પાસવાન
બિહારના રાજકારણમાં આ સમગ્ર ઘટનાક્રમ પછી પહેલીવાર ચિરાગ પાસવાન એ તેની પ્રતિક્રિયા આપી છે.ચિરાગ પાસવાને ટ્વિટર પર એક પોસ્ટ લખી અને 29 માર્ચના દિવસે તેના કાકા પશુપતિ કુમાર પારસને લખેલો એક પત્ર શેર કર્યો. ટ્વીટમાં તેણે લખ્યું,
“મેં પ્રયાસ કર્યા પણ પિતા અને મારા પરિવાર દ્વારા બનાવેલી આ પાર્ટીને જાળવી રાખવામાં નિષ્ફળ ગયો. પાર્ટી માતા સમાન હોય છે અને માતાને છેતરવી જોઈએ નહીં. લોકશાહીમાં લોકો સર્વોપરી હોય છે. હું પાર્ટીમાં વિશ્વાસ ધરાવતા લોકોનો આભાર માનું છું. હું એક જૂનો પત્ર શેર કરું છું.”