જામનગરની જી.જી સરકારી હોસ્પિટલમાં બીજી લહેર દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવ્યા હતા. જેના કારણે હોસ્પિટલ દ્વારા અટેન્ડન્ટોની તાત્કાલિક ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી 800 જેટલા યુવક-યુવતીઓની 10 હજારના ફિક્સ વેતને હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હતી. પરંતુ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારી યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે.
મહિલા એટેન્ડન્ટે સુપરવાઇઝરો પર શોષણનો આરોપ લગાવ્યો છે. સુપરવાઇઝરો પર ગંભીર આક્ષેપ સાથે જામનગર જી જી હોસ્પિટલના તમામ એટેન્ડન્ટ દ્વારા કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહિલા એટેન્ડન્ટ્સના કહેવા પ્રમાણે, જે મહિલા કે યુવતી સુપરવાઇઝરોની શરતો માની લે છે. તેને જ નોકરી પર રાખવામાં આવે છે.
તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે તંત્રએ મહિલા એટેન્ડેન્ટના આક્ષેપોને નકાર્યા છે. શારીરિક શોષણના આક્ષેપ પર જવાબ આપતા ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે કહ્યું કે, હોસ્પિટલ તંત્રને આવી કોઇ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો તપાસની ખાતરી પણ તેમણે આપી. આ ઉપરાંત એટેન્ડેન્ટ્સને છૂટા કરવા મામલે પણ તેમણે સ્પષ્ટતા આપી હતી.