આણંદના તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત થતા 10 લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સુરતથી ભાવનગર પરિવાર જઈ રહ્યો હતો. તેને ઈંદ્રાજ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 10 લોકોના મોત થયાની માહિતી છે. અસ્કમાતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે અને પોલીસને જાણ કરતા સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

બનાવ અંગેની મળતી વધુ જાણકારી પ્રમાણે, કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કારના ભુક્કો થઈ ગયો હતો અને કારમાં સવાર લોકો ચીસો પાડવા લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને મુસાફરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

અકસ્માત સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે. ટ્રકની ટક્કર બાદ ઈકો કારમાં સવાર લોકો કારમાં જ મૃત્યુને ભેટ્યા હતા. ઈકો કારમાં તમામ લોકોનાં મૃતદેહ એકની ઉપર એક પડ્યા હતા.

અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે.