વિશ્વના ટોચના ફૂટબોલર અને યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલની ટીમના કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ હંગેરી સામેની સૌપ્રથમ મેચ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ટેબલની આગળ મૂકેલી પ્રાયોજક કંપ કોકા-કોલાની બોટલો ખસેડી લીધી હતી. જે પછી તેણે પોતાની પાણીની બોટલ ઊંચી કરીને બતાવતા કહ્યું હતુ કે, ‘પાણી પીવો.’ આ ઘટનાથી કોકા-કોલા કંપનીને અધધધ કહી શકાય તેવો ૨૯૩ અબજ રૂપિયા (૪ અબજ ડોલર)નો ફટકો પડયો છે.
યુરો કપ ફૂટબોલના ઓફિસિઅલ પ્રાયોજકોમાં સામેલ કોકા-કોલા કંપનીની બે નાનકડી બોટલ્સ દરેક પ્રેસ કોન્ફરન્સમાં ખેલાડી કે ઓફિસિઅલની આગળ મૂકવામાં આવે તેવો પ્રોટોકોલ છે. જે અનુસાર રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ સમયે પણ પરંપરા મુજબ કોકા-કોલાની બે બોટલ મુકવામાં આવી હતી. રોનાલ્ડોએ ભારે નારાજગી સાથે તે બોટલ્સને ખસેડીને નીચેની તરફ કેમેરાને ન દેખાય તે રીતે મૂકી દીધી હતી અને પોતાની પાણીની બોટલ ઊંચકીને લોકોને પાણી પીવાની સલાહ આપી હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો હતો.
રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સમાં બનેલી ઘટનાને પગલે કોકા-કોલાની કંપનીની માર્કેટ વેલ્યૂ ચાર અબજ ડોલર (આશરે ૨૯૩ કરોડ રૂપિયા) ઘટી ગઈ હતી. કંપનીના શેરમાં પણ અંદાજે ૮૫ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તેની વેલ્યૂમાં ૧.૬ ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટના અંગે કોકા-કોલા કંપનીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, દરેકને તેમના પીણા અંગેની પ્રાથમિકતાનો અધિકાર છે. દરેકનો ટેસ્ટ અને જરુરિયાત અલગ-અલગ હોય છે.