ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારમાં વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયલ થવાના મામલે ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરએ લોની બોર્ડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રાસુકા હેઠળ કાર્યવાહીની માંગણી
ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી અને સ્વરા ભાસ્કર પર લોનીમાં વૃદ્ધની પીટાઈ મામલે સામાજિક સૌહાર્દ ખરાબ કરવાના હેતુથી ટ્વીટ કરવાનો આરોપ લગાવતા ત્રણેય વિરુદ્ધ રાસુકા (NSA) એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી છે.
પોલીસ તપાસ બાદ થઈ શકે છે કાર્યવાહી
ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરની ફરિયાદ પર એસપી ગ્રામીણ ડો.ઈરાજ રાજાએ જણાવ્યું કે વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયરલ થવાના મામલે ભાજપ વિધાયકે ફરિયાદ આપી છે અને રાહુલ ગાંધી તથા અસદુદ્દીન ઓવૈસી, સ્વરા ભાસ્કર સામે કેદ દાખલ કરી રાસુકા લગાવવાની માગણી કરી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ત્યારબાદ કાર્યવાહી થઈ શકે છે.
સપા નેતા વિરુદ્ધ એફઆઈઆર
ગાઝિયાબાદમાં વૃદ્ધની દાઢી કાપવાના અને પીટાઈના મામલે લોની વિસ્તારના સપા નેતા ઉમ્મેદ પહેલવાન વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે. કહેવાય છે કે ઉમ્મેદ પહેલવાને જ માહોલ બગાડવા માટે ષડયંત્ર રચ્યું હતું. એસપી ગ્રામીણ ડો.ઈરાજ રાજાએ જણાવ્યું કે વીડિયો વાયરલ થવાના મામલે ઉમ્મેદ પહેલવાન નામના સ્થાનિક નેતા ઉપર પણ કેસ દાખલ થયો છે.
ટ્વિટર સહિત 9 પર યુપી પોલીસે દાખલ કર્યો કેસ
આ અગાઉ ગાઝિયાબાદ સ્થિત લોનીમાં મુસ્લિમ વૃદ્ધની પીટાઈના મામલાને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપમાં પોલીસે બુધવારે ટ્વિટર અને અન્ય 8 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. આ તમામ પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
શું છે મામલો?
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો કે એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિને ચાર લોકોએ મળીને ખુબ પીટાઈ કરી, તેની પાસે જબરસ્તીથી જયશ્રી રામના નારા લગાવડાવ્યા અને દાઢી કાપી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થયો પરંતુ વીડિયો પાછળની સચ્ચાઈ કઈ અલગ જ છે. પોલીસે વાયરલ વીડિયોમાં કરાયેલા આ તમામ દાવા પાછળનું અસલ કારણ જણાવ્યું છે.
ગાઝિયાબાદ પોલીસે કહ્યું કે તેમણે એફઆઈઆર નોંધી લીધી છે. આ મામલે મુખ્ય આરોપી પરવેશ ગુજ્જરની ધરપકડ પહેલા જ થઈ ચૂકી છે. 14 જૂનના રોજ અન્ય બે આરોપી કલ્લુ અને આદિલની ધરપકડ થઈ હતી. આ ઘટના 5 જૂનની છે. પરંતુ પોલીસને તેની સૂચના બે દિવસ બાદ આપવામાં આવી. પોલીસનું કહેવું છે કે આ સમગ્ર ઘટના પાછળનું કારણ તાંત્રિક સાધના છે.
પીડિત વૃદ્ધે આરોપીને કેટલાક તાવીજ આપ્યા હતા જેના પરિણામ ન મળતા નારાજ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસે એ પણ જણાવ્યું કે પીડિતે પોતાની એફઆઈઆરમાં જયશ્રીરામના નારા લગાવવા અને દાઢી કાપવાની વાત નોંધાવી નથી.