જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટના યોન શોષણ મામલે ભારે હલચલ મચી ગઈ છે, અને રાજ્યના મુખ્યમંત્રીએ સંજ્ઞાન લીધું છે. અને તાત્કાલિક અસરથી જિલ્લાના વહીવટી તંત્રને સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કરવા માટેના અને જે દોષિત હોય તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશો આપી દેવાયા છે. ઉપરાંત ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની સુચનાથી તંત્ર દ્વારા યૌન શોષણ મામલે તાત્કાલિક અસરથી એક સમિતિની રચના કરી દેવામાં આવી છે, અને એસડીએમ, જિલ્લા પોલીસ વડા, અને ડીન મારફતે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા કલેકટરને સોંપાયા પછી રાજ્ય સરકારના મોકલી અપાશે, અને દોષિત વ્યક્તિ સામે એફ.આઈ.આર સહિતની કાર્યવાહી હાથ ધરાશે, તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનાર આ પ્રકરણની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં એટેનડન્ટ તરીકે કામ કરતી કેટલીક યુવતીઓના યૌન શોષણ થયા હોવાનો મામલો સામે આવતાં સમગ્ર રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, અને રાજ્યના મુખ્યમંત્રીએ આ બાબતે સંજ્ઞાન લીધું છે. અને જામનગરના જિલ્લા કલેકટરને તાત્કાલિક અસરથી આ મામલે પગલાં ભરવાનો આદેશ કરાયો છે. સમગ્ર મામલાની કમિટી બનાવી ઉંડાણપૂર્વકની તપાસ કરવા અને જે દોષિત હોય તેની સામે એફ.આઈ.આર સહિતની કાર્યવાહી કરવાના આદેશો કરાયા છે.
જેના પગલે જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા યૌન શોષણ મામલે તાત્કાલિક અસરથી એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, તેમજ જી. જી. હોસ્પિટલના ડીન ડૉ નંદિની દેસાઈની કમિટી બનાવવામાં આવી છે, અને તેઓ દ્વારા સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
જી.જી. હોસ્પિટલના કોવિડ પરિસરમાં કોરોનાની લહેર દરમિયાન 57૦ જેટલા કર્મચારીઓની નિમણુક કરવામાં આવી હતી, જેમાં 25૦થી પણ વધુ મહિલા કર્મચારીઓ હંગામી ફરજમાં જોડાયા હતા. જે મહિલા કર્મચારીઓ સાથે યૌન શોષણનો મામલો સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેને લઇને જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોર્ટ પરિસરમાં ફરજ બજાવી ચૂકેલા તમામ ઍટનડન્ટ યુવતીઓના નિવેદન લેવાનું તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાયું છે. જ્યારે અન્ય કર્મચારીઓને ફરજ પૂરી થયા પછી તેમ જ પોતાના ઘેરથી બોલાવીને સંપૂર્ણપણે ખાનગીમાં નિવેદનો લેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
ઉપરોક્ત સમગ્ર મામલે સીસીટીવી કેમેરાઓના વિડીયો ફૂટેજ ઉપરાંત મોબાઇલ ફોનના કોલ રેકોર્ડિંગ વગેરે મામલે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે, અને તમામ પુરાવાઓ એકત્ર થઇ રહ્યા છે. જી.જી.હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે કોણ કોણ ફરજ બજાવે છે તે તમામની પણ ખરાઈ કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, તેમજ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પણ જિલ્લા કલેકટર સાથે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ યોજવા અને દોષિતો સામે કાર્યવાહી કરવા સુચના આપી છે. અને સમગ્ર પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
જિલ્લા કલેકટર દ્વારા આ મામલે યોજાયેલી પત્રકાર પરિષદમાં એવું જાહેર કરાયું છે કે જે વ્યક્તિનાં નિવેદન નોંધવામાં આવે છે તેની માહિતી ગુપ્ત રાખવામાં આવશે, પરંતુ જે દોષિત થશે તેની સામે તાત્કાલિક અસરથી એફ.આઇ.આર. સહિતની કાર્યવાહી કરવામાં આવશે. અને આ મામલામાં ગઠિત કરવામાં આવેલી કમિટી દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ તાત્કાલિક અસરથી રાજ્ય સરકારમાં મોકલી અપાશે.