SBI વિજય માલ્યાની ત્રણેય કંપનીઓના શેર વેચશે, 6200 કરોડ રૂપિયા મળવાની આશા

ભાગેડુ વેપારી વિજય માલ્યા માટે મુસીબત વધારનારા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના નેતૃત્વમાં બેંકનું એક ગ્રુપ દેવું વસૂલવા માટે તેની ત્રણેય કંપનીઓના શેરનું વેચાણ કરશે. જેનાથી લગભગ 6,200 કરોડ રૂપિયાની રિકવરીની આશા છે. આ દેવું વિજય માલ્ય પોતાની એરલાઈન કંપની કિંગફિશર માટે લીધું હતું.

23 જૂને થનારા આ ઓક્શનમાં SBI દ્વારા યુનાઈટેડ બ્રેવરીઝ લિમિટેડ, યુનાઈટેડ સ્પિરિટ લિમિટેડ અને મેક્ડોનાલ્ડ હોલ્ડિંગ્સ લિમિટેડના શેર વેચવામાં આવશે. જો શેરનું વેચાણ સફળ રહ્યું તો આ બેંકની કિંગફિશરના મામલામાં પહેલી મોટી રિકવરી હશે. 2012મા આ લોન NPA બની ગઈ હતી.

મૂળ રકમની સાથે વ્યાજની પણ થશે રિકવરી
મનીકંટ્રોલના એક રિપોર્ટ મુજબ શેરનું વેચાણ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) બેંગલુરુ અંતર્ગત કરવામાં આવશે. જે અંતર્ગત રિકવરી ઓફિસર 6,203 કરોડ રૂપિયાની સાથે મૂળ રકમ અને 25 જૂન 2013થી રિકવરીની તારીખ સુધી 11.5% લેખે વ્યાજ પણ જોડીને વસૂલ કરશે. આ મહિનાની શરૂઆતમાં જ PMLA કોર્ટે બેંકને માલ્યાની પ્રોપર્ટી અને અન્ય વસ્તુઓને વેચવાની મંજૂરી આપી છે. બેંકે કહ્યું કે પ્રોપર્ટી અને અન્ય સંપત્તિને વેચીને બેંક પોતાની કેટલીક રકમ વસૂલી શકે છે.

સૌથી વધુ યુનાઈટેડ સ્પિરિટના શેર્સનું થશે વેચાણ
23 જૂને રિકવરી ઓફિસર યુનાઈટેડ બ્રેવરીઝના 4.13 કરોડ, યુનાઈટેડ સ્પિરિટના 25.02 લાખ અને મેક્ડોનાલ્ડ હોલ્ડિંગ્સના 22 લાખ શેર બ્લોક ડીલ અંતર્ગત વેચશે. રિપોર્ટ મુજબ જો બ્લોક ડીલ અંતર્ગત શેરનું વેચાણ ન થયું તો તેને 24 જૂનથી બલ્ક કે રિટેઈલ મોડ દ્વારા વેચવામાં આવશે.

માલ્યા માર્ચ 2016થી ભારતની બહાર છે
માલ્યાની એરલાઈન કંપની કિંગફિશરના ફાયનાન્સિયલ ક્રાઈસિસના કારણે તેનું એક પણ પ્લેન 20 ઓક્ટોબર 2012થી ઉડ્યું નથી. વિજય માલ્યાને જાન્યુઆરી 2019માં દેવું ન ભરવા અને કથિત રીતે બેંક સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ભાગેડુ આરોપી જાહેર કરાયો છે. માલ્યાએ 2 માર્ચ 2016નાં રોજ ભારત છોડ્યું હતું.

17 બેંકના લગભગ 9 હજાર કરોડ રૂપિયા ફસાયા છે
વિજય માલ્યાએ 17 બેંકના લગભગ 9 હજાર કરોડ રૂપિયા અને તેનું વ્યાજ આજદિવસ સુધી નથી ભર્યું. જેમાં SBI સહિત પંજાબ નેશનલ બેંક, IDBI બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *