સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજાય, ફક્ત પ્રતીકાત્મક યાત્રા જ થશે

શ્રીનગર: કોરોનાના રોગચાળાના પગલે આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહી યોજાય. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ નક્કી કર્યુ છે કે ફક્ત પ્રતિકાત્મક અમરનાથ યાત્રા જ યોજાશે, એમ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું. પહલગામ અને બલતાલ ખાતે ૨૮ જૂનના બે રુટ પરથી ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલા બાબા બર્ફાનીની ગુફાના ૫૬ દિવસની યાત્રાનો પ્રારંભ થાય છે. તે ૨૨મી ઓગસ્ટેે પૂરી થાય છે. ગયા વર્ષે પણ કોરોનાના લીધે આ યાત્રા રદ કરવામાં આવી હતી. સિંહાએ અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે શ્રદ્ધાળુઓ સવાર અને સાંજની આરતીના વર્ચ્યુઅલ દર્શન કરી શકે. આના દ્વારા શ્રદ્ધાળુઓની દર્શનની ઇચ્છા પૂરી થશે અને તેમણે પ્રવાસ પણ નહીં કરવો પડે.

તેમણે જણાવ્યું હતું કે બાબા બર્ફાનીના ધામમાં બધી પરંપરાગત અને ધાર્મિક વિધિઓ પહેલાની જેમ જ કરવામાં આવશે. લોકોના જીવન બચાવવાનું મહત્ત્વનું છે. તેથી આ વર્ષે જન હિતમાં યાત્રા યોજવી જરુરી નથી.

શ્રીમ અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) કરોડો શ્રદ્ધાળુઓની લાગણીને સન્માન આપે છે. તેથી જ શ્રદ્ધાળુઓ આ પવિત્ર ગુફામાં સવાર અને સાંજે થતી આરતીના ઓનલાઇન દર્શન કરી શકશે, એમ સિંહાએ જણાવ્યું હતું. સિંહા પોતે આ બોર્ડના ચેરમેન પણ છે.

શ્રીઅમરનાથજી સાઇન બોર્ડના સભ્યોએ ચર્ચાવિચારણા કરીને ફક્ત પ્રતિકાત્મક યાત્રા યોજવાનો નિર્ણય લીધો હતો, એમ તેના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું.

બોર્ડના સભ્યોની બેઠક પછી લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ અરુણ કુમાર મહેતા, ડીજીપી દિલબાગસિંહ, મુખ્ય ગૃહસચિવ શાલીન કાબરા અને લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ નિતિશ્વર મિશ્રા સાથે ચર્ચાવિચારણા કરી હતી, નીતિશ્વર કુમાર પોતે શ્રાઇન બોર્ડના સીઇઓ છે.

આ બેઠકમાં હાજર રહેનારાઓએ જણાવ્યું હતું કે એસએએસબીએ એવી વ્યવસ્થા કરી છે કે શ્રદ્ધાળુઓ સવારે અને સાંજે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ અને ટીવી પર તેમની આરતી અને પૂજાના દર્શન કરી શકશે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

લેફ્ટનન્ટ ગવર્નરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રથમ પૂજા અને સમાપન પૂજા જેવા પવિત્ર દિવસોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરુરી છે. આ ઉપરાંત તેમણે અમરનાથ ગુફામાં આરતી અને બીજી બધી પૂજા વિધિઓ પણ કોવિડ પ્રોટોકલમાં નિયત થયેલી કાર્યપ્રણાલિની અંદર થાય તેના પર ભાર મૂક્યો હતો.

બોર્ડના સીઇઓએ જણાવ્યું હતું કે ભગવાન શિવ માટે છડી મુબારકને ૨૨મી ઓગસ્ટ સુધીમાં પવિત્ર ગુફાએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે દિવસે યાત્રા પૂરી થાય છે અને તે દિવસે રક્ષાબંધનનો સંયોગ સર્જાયો છે.

સીઇઓ કુમારે જણાવ્યું હતું કે સવારે છ વાગે અને સાંજે પાંચ વાગે આ આરતીનું જીવંત પ્રસારણ થશે. બંને આરતીનું સવારે અને સાંજે તેની સત્તાવાર વેબસાઇટ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે અને આ સિવાય શ્રદ્ધાળુઓ માટે તેની ખાસ એપ પણ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *