દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે, 21 જૂનના રોજ રેકોર્ડ સમાન 88 લાખ કરતા પણ વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. કોરોના વેક્સિનેશન અંગેના આ રેકોર્ડને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે મંગળવારે કરેલા દાવા પ્રમાણે રવિવારે વેક્સિન જમા કરવામાં આવી હતી અને સોમવારે વેક્સિનેશનનો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો હતો, પરંતુ તેના પછીના દિવસે ફરી જૂની સ્થિતિ જોવા મળી.
પૂર્વ નાણા મંત્રી ચિદંબરમે કેન્દ્ર પર કટાક્ષ કરતા કહ્યું કે, આને લઈને મોદી સરકારને ઔષધિ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળી શકે છે. પૂર્વ નાણા મંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘રવિવારે જમા કરો, સોમવારે વેક્સિનેશન કરો અને ફરી મંગળવારે એ જ સ્થિતિમાં પાછા આવી જાઓ. એક દિવસમાં વેક્સિનેશનનો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરવા પાછળનું આ જ રહસ્ય છે.’
ચિદંબરમનો કટાક્ષ
ચિદંબરમે કટાક્ષમાં કહ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે, આ પગલાને ગિનીજ બુકમાં સ્થાન મળશે. કોણ જાણે છે કે મોદી સરકારને ઔષધિનો નોબેલ પુરસ્કાર મળી જાય. ‘મોદી છે તો સંભવ છે’ એના બદલે હવે ‘મોદી છે તો મિરેકલ છે’ એવું વાંચવું જોઈએ.’
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે, ભારતે 21 જૂને એક જ દિવસમાં કોરોના વાયરસના 88.09 લાખ વેક્સિન ડોઝ લગાવવાની ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી છે અને આશરે 64 ટકા ડોઝ ગ્રામીણ વિસ્તારોમાં આપવામાં આવ્યા છે.