ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે સુધી સુધરી ગઈ છે અને વે રાજ્યમાં ૧૫૦થી પણ ઓછા કેસ આવી રહ્યા છે ત્યારે તમામ પ્રવૃત્તિઓ ફરી શરૃ થવા સાથે તબક્કાવાર અનલોકમાં સ્કૂલો પણ રેગ્યુલર શરૃ કરવા સરકાર થોડા દિવસમાં આ મુદ્દે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળીને કોર કમિટીની બેઠકમાં ચર્ચા-વિચારણા કરી નિર્ણય તેવી શક્યતા છે.
ગુજરાત સરકારે ધો.૧૦ અને ૧૨ના રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ જુલાઈથી લેવાનું જાહેર કર્યુ છે અને ૧૫ જુલાઈથી લેવાનારી આ પરીક્ષાઓમાં ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઓફલાઈન પરીક્ષા આપવા જતા હવે સ્કૂલો પણ રેગ્યુલર થઈ શકે છે.પ્રથમ તબક્કામાં માત્ર ધો.૧૦-૧૨ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે રેગ્યુલર શરૃ કરવા સરકાર વિચારણા કરી શકે છે અને ઓગસ્ટ પહેલા જ જુલાઈમાં પણ શરૃ થાય તેવી શક્યતા છે.જો જુલાઈમાં ન શરૃ થાય તો ૧૫ ઓગસ્ટ પહેલા રેગ્યુલર સ્કૂલો શરૃ કરવામા આવી શકે છે.સ્કૂલોમાં કલાસરૃમ શિક્ષણ મુદ્દે સરકાર સૂચનો પણ મંગાવશે અને આ મુદ્દે આરોગ્ય વિભાગ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરશે. આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે કેબિનેટમાં બેઠકમાં આ મુદ્દે આજે કોઈ ચર્ચા થઈ નથી પરંતુ થોડા દિવસમાં ચર્ચા કરીશું અને સર્વગ્રાહી રીતે સ્થિતિનો ત્રાગ મેળવી અને ત્રીજી લહેરની બાબતનું ખાસ ધ્યાન રાખીને જ સ્કૂલો શરૃ કરવા નિર્ણય કરાશે.
જો કે હજુ સુધી બાળકોને રસી અપાઈ નથી અને બે મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના પણ સેવાઈ રહી છે તેમજ તે માટે આયોજન પણ કરવામા આવી રહ્યુ છે ત્યારે આ ખાસ આ બાબતે સરકાર મોટી મુંઝવણમાં છે.સરકાર સમક્ષ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે અને રસીકરણ વગર બાળકોને ફરીથી સ્કૂલોમાં બોલાવવા કે નહી તે મોટો પડકાર છે.જો સ્કૂલો શરૃ થશે તો પણ માત્ર વાલીની સહમતિ સાથે જે રીતે અગાઉ જાન્યુઆરીમાં શરૃ કરાઈ હતી.અગાઉ ૧૧ જાન્યુઆરીથી ૧૮ માર્ચ સુધી માંડ બે મહિના સ્કૂલો ચાલી હતી અને તેમા પણ પ્રાથમિકની સ્કૂલો તો એક પણ દિવસ ખુલી નથી.આ વર્ષે તો ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા રદ કરાઈ પરંતુ ચાલુ વર્ષ ન બગડે તે માટે સરકારે ઓફલાઈન શિક્ષણ રેગ્યુલર કરવા પર પણ ધ્યાન આપવુ પડે તેમ છે.