નિરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યાએ આચરેલી છેતરપિંડીને કારણે થયેલા નુકસાન પૈકી ૪૦ ટકાથી વધુ નુકસાન વસુલ કરી લેવામાં આવ્યું છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઇડીના જણાવ્યા અનુસાર ટાંચમાં લેવામાં આવેલા શેર વેચી દેવામાં આવવાથી ૫૮૦૦ કરોડ રૃપિયા રિકવર થયા છે. ે
એજન્સીના જણાવ્યા અનુસાર આ ત્રણેય ભાગેડું આરોપીઓની ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિ વેચીને અત્યાર સુધીમાં ૯૩૭૧ કરોડ રૃપિયા રિકવર કરવામાં આવ્યા છે. જે આ ત્રણેયને કારણે થયેલા કુલ નુકસાન ૨૨,૫૮૬ કરોડ રૃપિયાના ૪૦ ટકાથી વધારે થાય છે.
આ ઘટનાક્રમ અંગે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને ટ્વિટર પર જણાવ્યું છે કે ભાગેડું અને આર્થિક અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે અને આ સંપત્તિ વેચીને બાકી દેવાની રકમ વસૂલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ ત્રણેય વિદેશમાં હોવા છતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ) જેવી એજન્સીઓ તેમની વિરુદ્ધ ઝડપથી તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે નિરવ મોદી અને મેહુલ ચોક્સી બંનેએ મળીને પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી આચરી હતી. ંમાલ્યા દ્વારા ૯૦૦૦ કરોડ રૃપિયાનું કિંગફિશર એરલાઇન્સ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આમ ત્રણેય દ્વારા સરકારી બેંકોને કુલ ૨૨,૫૮૬ કરોડ રૃપિયાનુૂ નુકસાન થયું હતું.
ઇડીએ આ બંને કેસોમાં અત્યાર સુધી કુલ ૧૮,૧૭૦.૦૨ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ટાંચમાં લેવામાં આવેલી આ સંપત્તિ પૈકી ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(ડીઆરટી)એ એસબીઆઇના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ વતી યુનાઇટેડ બ્રેવરીઝના ૫૮૨૪ કરોડ રૃપિયાના શેર વેચ્યા હતાં. ૨૫ જૂન સુધીમાં વધુ ૮૦૦ કરોડના શેર વેચવામાં આવે તેવી શક્યતા છે.
આ અગાઉ બેંકોએ માલ્યા વિરુદ્ધના કેસમાં આવી જ રીતે શેરો વેચીને ૧૩૫૭ કરોડ રૃપિયા જપ્ત કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા અને નિરવ મોદી હાલમાં બ્રિટનમાં છે જ્યારે મેહુલ ચોકસી એન્ટિગુઆ અને બારબુડા હતો. ત્યારબાદ તે ત્યાંથી ગુમ થઇ ગયો હતો અને તે ડોમિનિકામાં જોવા મળ્યો હતો.