કચ્છમાં લોક ગાયીકા ગીતા રબારી ફરી વિવાદમાં આવ્યા છે. કચ્છના એક ફાર્મ હાઉસ ખાતે લોક ગાયીકા ગીતા રબારીના ડાયરામાં લોકો જોડાતા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જેને લઇને ડાયરા આયોજક અને ગીતા રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કચ્છના રેલડીના ફાર્મ હાઉસ ખાતે લોક ગાયીકા ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ લોક ડાયરામાં લોકો જોડાતા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જેને લઇને પેડી પ્રસંગ વૈભવી ડાયરામાં આયોજક સંજય ઠક્કર અને ગાયીકા ગીતા રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચર્ચા મચી ગઈ છે.
જો કે, આ ડાયરામાં જેન્તી ભાનુશાળી હત્યા કેસનો આરોપી જેન્તી ડુમરા પણ હાજર હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે લોક ગાયીકા ગીતા રબારી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન ગીતા રબારીના આવા ત્રણ કિસ્સાઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં જ વેક્સીન ઘરે લેવા મામલે ચર્ચામાં આવ્યા હતા. જેને લઇને સરકારથી લઇને સ્થાનિક તંત્રના ઠપકાનો સામનો પણ કરવો પડ્યો હતો.