કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત (Surat) કોર્ટ કેસમાં જુબાની આપવા માટે સુરત પહોંચ્યા છે. રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા જ કોર્ટ જવા રવાના થયા હતા. રસ્તામાં અનેક કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉભા હતા, પણ તેઓ ક્યાય ઉભા રહ્યા ન હતા અને સીધા કોર્ટમાં જુબાની આપવા પહોંચ્યા. તેમના સુરત આગમને પગલે ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સુરત પહોંચ્યા છે. અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ પણ સુરત પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પહોંચીને સૌથી પહેલા રાહુલ ગાંધીએ વીઆઈપી લેનમા વકીલ સાથે ચર્ચા કરી હતી.
સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. સુરત પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ખોટો માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. ગુજરાતમાં જે લોકો સત્તાની વિરુદ્ધ અવાજ ઉઠાવે તેમને પરેશાન કરાયા છે. આજે રાહુલ ગાંધીની મીટિંગ દરમિયાન કોઈ પોલિટિકલ મીટિંગ નથી, રાહુલ ગાંધી માત્ર કોર્ટની પ્રક્રિયામાં હાજરી આપશે.
બધા મોદી ચોર હોવાના રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નિવેદન અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. કોર્ટમાં ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઈ ચૂકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે. આ કેસમાં રાહુલ ગાંધી પોતાનું ફાઇનલ સ્ટેટમેન્ટ આપશે.