હિમાચલ પ્રદેશમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરના પર્સનલ સિક્યોરિટી ઓફિસર (PSO) અને કુલ્લુ SP વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમયે બન્ને અધિકારી વચ્ચે મારઝૂડ પણ થઈ હતી.
ગડકરી અને મુખ્યમંત્રીનો કાફલો મનાલી તરફ રવાના થયો તો ભુંતર એરપોર્ટની બહાર ફોરલેનથી અસર પામેલા ખેડૂતોએ કાફલો અટકાવ્યો હતો. આ મુદ્દે CMના સિક્યોરિટી ઓફિસર અને કુલ્લુ SP વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. SP ગૌરવ સિંહે PSO બલવંત સિંહને પહેલા થપ્પડ મારી દીધી હતી ત્યારબાદ બલવંતે પણ SPને લાત વડે બે-ત્રણ વખત માર માર્યો હતો.

આ ઘટના બની ત્યારે CMનો કાફલો ત્યાં હતો, જેવા બન્ને અધિકારી વચ્ચે ઝપાઝપી થઈ ત્યારે પ્રદર્શન કરી રહેલા લોકો CMના કાફલા તરફ આગળ વધવા લાગ્યા હતા. આ સંજોગોમાં અન્ય પોલીસ કર્મચારીઓએ સ્થિતિ સંભાળી લીધી હતી અને પ્રદર્શન કરી રહેલા લોકોને અટકાવી કાફલાને આગળ રવાના કર્યો હતો.
સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે ભુંતરમાં જિલ્લા કુલ્લુ પોલીસના કેપ્ટન તથા CM સુરક્ષા અધિકારીઓ વચ્ચે થયેલી ઝપાઝપી અંગે તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. બીજી બાજુ DGP સંજય કુંડુએ કહ્યું કે-DIG ઘટના સ્થળે ગયા છે.

ફોરલેનથી અસરગ્રસ્ત ખેડૂતોએ કાફલો ઘેર્યો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સ્વાગત માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભુંતર હવાઈ મથક ગયા હતા. જેવો કેન્દ્રીય મંત્રીનો કાફલો એરપોર્ટની બહાર નિકળ્યો તો માર્ગના કિનારે ફોરલેન અસરગ્રસ્ત ખેડૂતોએ તેમના કાફલાને ઘેરી લીધો હતો.
લોકોને જોઈ નીતિન ગડકરીએ પોતાની ગાડી અટકાવી અને જાતે જ ઉતરીને તેમને મળવા માટે પહોંચી ગયા. બીજી બાજુ જયરામ ઠાકુર પણ પોતાના વાહનમાંથી ઉતરીને આ તમામ લોકોને મળવા માટે પહોંચ્યા. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર અમાગી માગ સાંભળવા માટે તૈયાર નથી. તેમને ઘણુ નુકસાન થઈ રહ્યું છે. દરમિયાન ગડકરીએ CMને તેમની માગ અંગે વિચાર કરવા અને ઉકેલ લાવવા માટે કહ્યું હતું.