રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (RIL)ની આજે સતત બીજા વર્ષે ઓનલાઈન યોજાયેલી 44મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના માલિક મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે સાઉદી અરામકોનાં ચેરમેન અને સાઉદી અરબનાં પબ્લિક વેલ્થ ફંડનાં ગવર્નર યાસીર અલ રૂમાયેનને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રિલાયન્સ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે રૂમાયેનનું બોર્ડમાં જોડાવું એ પણ રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની પણ શરૂઆત છે અને આવનારા સમયમાં કંપનીની આંતરરાષ્ટ્રીય યોજનાઓ પર વધુ ઘોષણા કરવામાં આવશે.
ગુરુવારે 44 મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં અંબાણીએ કહ્યું કે તેમને આશા છે કે જરૂરી નિયમનકારી મંજૂરીઓ મળ્યા પછી સાઉદી અરામકો સાથે RILની ભાગીદારીને “આ વર્ષ દરમિયાન ટૂંક સમયમાં” ઔપચારિક રીતે ઘોષણા કરવામાં આવશે.
44 મી AGMમાં, મુકેશ અંબાણીએ બીજો નવા બિઝનેશની પણ ઘોષણા કરી. કંપની હવે ઇકો ફ્રેન્ડલી ગ્રીન એનર્જીના બિઝનેસમાં હાથ અજમાવશે. આ બિઝનેસ પર 3 વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
વર્ષ 2019ની વાર્ષિક સામાન્ય સભામાં રિલાયન્સે સાઉદી અરામકોને ઓઇલ-ટુ કેમિકલ બિઝનેસમાં 20 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ ડીલમાં ગુજરાતના જામનગર ખાતે બે ઓઇલ રિફાઈનરીઓ અને પેટ્રો કેમિકલ સંપત્તિનો સમાવેશ છે. આ સિવાય સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે છેલ્લી વાર્ષિક સામાન્ય સભાથી અમારો બિઝનેશ અને નાણાં અપેક્ષા કરતા વધ્યા છે.