Ahmedabad : હાલમાં બનાવટી દસ્તાવેજોનુ કૌભાંડ સમયાંતરે સામે આવી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદમાં બનાવટી આધારકાર્ડ અને આવકના દાખલા બનાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સરકારી અનાજની દુકાનમાં ચાલતા આ ગોરખધંધામાં સંડોવાયેલા એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી પાસેથી પૂર્વ કોર્પોરેટરોના સહી કરેલા લેટરપેડ પણ મળી આવ્યા છે. જે અંગે કોર્પોરેટરોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પટેલ મિલ પાસે સરકારી અનાજની દુકાનમાં બનાવતા બનાવટી આધાર કાર્ડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની કસ્ટડીમાં રહેલા વસીમભાઈ મનસૂરી, ઇબ્રાહિમ મનસૂરી, બંને આરોપીઓ તેમની સાથે 17 વર્ષના સગીરને રાખી બનાવટી આધાર કાર્ડ અને આવકના દાખલા બનાવતા હતા.
આ અંગે અમદાવાદના ડીસીપી ઝોન પાંચના સ્ક્વોડને બાતમી મળતા, સસ્તા અનાજની દુકાન પર રેડ કરવામાં આવી હતી. આરોપીને 500 રૂપિયા થી લઈ હજાર રૂપિયામાં આધાર કાર્ડ બનાવતા ઝડપી લેવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરી તપાસ કરતા હાથ ધરી હતી. જેમાં એક લેપટોપ, થમ્બ પ્લેટો, લેમિનેશન મશીન, રાઉટર, પ્રિન્ટર, 15 આધાર કાર્ડ, ત્રણ રેશનીંગ કાર્ડ, આઠ આવકના દાખલા, પાંચ સ્ટેમ્પ અને બે મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે.
આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા માટે ફોર્મ ઉપરાંત કોર્પોરેટર ઝુલ્ફી ખાન પઠાણની સહી કરેલા ફોર્મ મળી આવ્યા છે.આ તમામ દસ્તાવેજો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જે કોર્પોરેટરોના નામના દસ્તાવેજો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.