કોરોનાના કેસમાં ઘટાડાની સાથે જ હવે ખેડૂતોએ આંદોલન વધુ તેજ કરીને ગાઝીપુર બોર્ડર પર ટ્રેક્ટર માર્ચ યોજવાની વાત કહી છે. રિહર્સલ માટે 2-2 જિલ્લાઓને ટ્રેક્ટર માર્ચ લઈને ગાઝીપુર બોર્ડર પહોંચવા આહ્વાન કરવામાં આવ્યું છે. પહેલી માર્ચ શુક્રવારે એટલે કે આજે ગાઝીપુર બોર્ડર પહોંચશે. નરેશ ટિકૈતની આગેવાનીમાં આ ટ્રેક્ટર માર્ચ પહોંચશે.
ભારતીય ખેડૂત યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે સહારનપુરથી ટ્રેક્ટર માર્ચ શરૂ થઈ ગઈ હોવાની માહિતી આપી હતી. રસ્તામાં આ માર્ચમાં મુઝફ્ફરનગર જિલ્લાના ટ્રેક્ટર પણ સામેલ થશે. મુઝફ્ફરનગર થઈને આ ટ્રેક્ટર માર્ચ મેરઠના સિવાયા ટોલ પહોંચશે.
ટ્રેક્ટર માર્ચ રાતે સિવાયા ટોલ ખાતે પડાવ કરશે અને શુક્રવારે સવારે ટ્રેક્ટર માર્ચ સિવાયા ટોલથી ગાઝીપુર બોર્ડર માટે આગળ વધશે. ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતની આગેવાનીમાં ટ્રેક્ટર માર્ચ શુક્રવારે સાંજે ગાઝીપુર બોર્ડર પહોંચશે.
આ તરફ રાષ્ટ્રીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે ખેડૂતોનો ઈલાજ સંસદમાં થશે અને સરકારમાં બેઠેલા લોકોનો ઈલાજ ગામમાં થશે. તેમણે કહ્યું કે, આપણા દેશમાં 12 મોસમ હોય છે. અલગ-અલગ સૂબામાં પણ અલગ મોસમ હોય છે માટે દરેક સૂબામાંથી ડોઝ અપાવવો પડશે. પહેલો ડોઝ પશ્ચિમ બંગાળમાં આપવામાં આવ્યો અને તેની અસર પણ દેખાઈ. બીજો ડોઝ યુપીમાં અપાશે અને પછી ઉત્તરાખંડમાં. બીમારી મોટી છે તો ઈલાજ પણ લાંબો ચાલશે. 36 મહિના થશે બીમારી ઠીક કરવામાં. દવા લગાવવાની શરૂ થઈ ગઈ છે માટે હવે ચિંતાની કોઈ વાત નથી.
ટિકૈતે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું કે, ખેડૂતોનો ઈલાજ સંસદમાં થશે. દિલ્હીમાં બેઠેલી અહંકારી સરકારનો ઈલાજ ગામડાઓમાં થશે. એટલે કે ગામડાના લોકો ચૂંટણી દ્વારા સરકારનો ઈલાજ કરશે. ખેડૂતોના ટ્રેક્ટરનું મોઢું આજે પણ દિલ્હી તરફ જ છે. અમે દિલ્હી જઈશું અને વાત કરીશું. હાલનું રિહર્સલ સરકારને ચેતવણી આપવા માટે છે.