જમ્મુ-કાશ્મીરને લઈને PM મોદીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠક સમાપ્ત થઇ ગઇ છે. આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા, ગુલામ નબી આઝાદ, રવિન્દ્ર રૈના, કવિંદર ગુપ્તા, નિર્મલ સિંહ, સજ્જાદ લોન, ભીમસિંહ અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં PM મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, NSA અજિત ડોભાલ, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપરાંત કેન્દ્રના અન્ય ઘણા અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો.
કાશ્મીરી નેતાઓ સાથેની PM મોદીની આ બેઠક સાંજના સાડા છ વાગ્યે પુરી થઈ. બેઠક બાદ ‘અપની પાર્ટી’ ના નેતા અલ્તાફ બુખારીએ કહ્યું કે આ વાટાઘાટ ખૂબ સારા માહૌલમાં થઈ. PM મોદીએ તમામ નેતાઓની વાત સાંભળી. બુખારીનાં જણાવ્યા પ્રમાણે PMએ કહ્યું છે કે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
PM મોદી સાથે મુલાકાત બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે J&Kને ટૂંક સમયમાં જ સંપૂર્ણ રાજ્યનો અધિકાર મળવો જોઈએ. ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ તાત્કાલિક થવી જોઇએ. વળી, કાશ્મીરી પંડિતોનાં પરત અને પુનર્વસનની પણ વ્યવસ્થા કરવી જોઇએ. જ્યારે, પીડીપી નેતા મુઝફ્ફર હુસેન બેગે કહ્યું કે મેં મીટિંગમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા 37૦ નાબૂદ કરવાનો નિર્ણય લેવો જોઈએ. વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનાં દરજ્જા અઁગે સીધું કંઈ કહ્યું નથી.
મહેબૂબા મુફ્તીએ કલમ 370 નો મુદ્દો ઉઠાવ્યો
મહેબૂબા મુફ્તી (પીડીપી પ્રમુખ) એ કહ્યું કે મેં મીટિંગમાં વડા પ્રધાનને કહ્યું હતું કે જો તમારે કલમ 370 ને હટાવવી હતી તો તમારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા બોલાવીને તેને હટાવી દેવી જોઈતી હતી. તેને ગેરકાયદેસર રીતે દૂર કરવાનો કોઈ અધિકાર નહોતો. અમે બંધારણ અને કાનૂની રીતે કલમ Article 370 ને પુનર્સ્થાપિત કરવા માગીએ છીએ.
બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યું કે આજે સારા વાતાવરણમાં વાતચીત થઈ. દરેક વ્યક્તિએ વિગતવાર પોતાની વાત રજુ કરી. વડા પ્રધાન અને ગૃહ પ્રધાને બધાની વાત સાંભળી. PMએ કહ્યું કે, સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.
PM મોદી અને જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક બાદ, ભાજપ નેતા કવિંદર ગુપ્તાએ કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ તેમના મંતવ્યો રજૂ કર્યા. મને લાગે છે કે આગામી સમયમાં રાજકીય પ્રક્રિયા શરૂ થવાની છે. સીમાંકન પ્રક્રિયા બાદ પણ ચૂંટણીઓ યોજાશે. ફરી એક વાર ત્યાં વિધાનસભાની રચના કરવામાં આવશે.