100 કરોડની વસૂલાતના આરોપોથી ઘેરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી છે. શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની 6 ટીમે તેમનાં 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને મોડી રાત્રે તેના પર્સનલ સેક્રેટરી સંજીવ પલાન્ડે અને આસિસ્ટન્ટ કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
EDએ 24 કલાક પહેલાં દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા
શુક્રવારે સવારે સાત વાગ્યે ઇડીએ અનિલ દેશમુખના નાગપુરસ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. એ લગભગ 9થી 10 કલાક સુધી ચાલ્યા. જાણવા મળ્યું છે કે નાગપુરમાં તેમના નિવાસસ્થાને દેશમુખના પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સાંજે ઇડીના અધિકારીઓ કેટલાક દસ્તાવેજો લઈને ઘરની બહાર નીકળી ગયા હતા. ઇડીએ દેશમુખના બંને અંગત સાથીઓની મુંબઈમાં ઘણા કલાકો સુધી પૂછપરછ પણ કરી હતી. ત્યાર બાદ મોડી રાત્રે ઇડી દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસ દેશમુખ સામે લાગેલા વસૂલીના આરોપ સાથે સંબંધિત છે. મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આશરે અઢી મહિના પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આરોપ લગાવ્યા હતા કે અનિલ દેશમુખે મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વઝેને દર મહિને 100 કરોડની વસૂલાતનો લક્ષ્યાંક આપ્યો હતો.
આ કેસમાં EDની ટીમે લગભગ 10થી 12 વખત માલિકોનાં નિવેદનો પણ રેકોર્ડ કર્યા છે. આ પછી તલોજા જેલમાં જઈને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેનું નિવેદન પણ નોંધ્યું છે.
દેશમુખે કહ્યું- પરમબીરે કમિશનર રહેવા દરમિયાન આરોપ કેમ લગાવ્યા નહીં
EDના દરોડા બાદ અનિલ દેશમુખે કહ્યું હતું કે પરમિબીર સિંહે જ્યારે કમિશનર હતા ત્યારે આરોપ કેમ લગાવ્યા નહીં? પદ પરથી હટાવ્યા પછી તેમણે મારા પર ખોટા આરોપ લગાવ્યા છે. એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા તમામ પોલીસ અધિકારીઓ સીધા પરમબીરને રિપોર્ટ કરતા હતા. પરમબીરને મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી એટલા માટે હટાવવામાં આવ્યા હતા, કારણ કે તેમની ભૂમિકા શંકાસ્પદ હતી. દરોડા અંગે અનિલ દેશમુખે કહ્યું હતું કે ‘હું EDની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છું અને આગળ પણ આમ જ કરીશ. સત્ય જલદી જ સામે આવશે.’