નવી દિલ્હીઃ આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે ભાજપની ટોચની નેતાગીરી અત્યારથી જ હરકતમાં આવી ગઈ છે. કેટલાક કેન્દ્રીય પ્રધાનો પણ તેના પગલે સક્રિય થઈ ગયા છે. તેથી શનિવારે રાજ્યો સાથે સંલગ્ન રાજકીય અને સંચાલકીય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
પક્ષના પ્રમુખ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારામન, નરેન્દ્રસિંહ તોમર, સ્મૃતિ ઇરાની અને કિરણ રિજ્જુ આ માટેની મનોમંથન બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય એજન્ડા આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી હતો.
આગામી વર્ષે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. ભાજપ આમા પંજાબ સિવાય બાકીના બધા રાજ્યોમાં સત્તા પર છે. આગામી ચૂંટણીમાં અસરકારક કામગીરી દર્શાવવા માટે ભાજપમાં અત્યારથી જ રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે.
ઉત્તરપ્રદેશ ભાજપ માટે અત્યંત મહત્વનું રાજ્ય છે. ભાજપનો 2014 અને 2019ની ચૂંટણીમાં સત્તા સુધીનો માર્ગ પ્રશસ્ત ઉત્તરપ્રદેશે જ કર્યો હતો. શાસક પક્ષના નેતાઓ છેલ્લા કેટલાય સમયથી પક્ષ શાસિત રાજ્યોની રાજકીય સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને તેના સંચાલન પર પણ ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેની જોડે તે સંચાલકીય મુદ્દાઓ પર વિશેષ પ્રકાશ પાડી રહ્યા છે.
કોરોના પછી આ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં માર ખાનારુ ભાજપ આ પાંચેય રાજ્યોની ચૂંટણીને જરા પણ હળવાશથી લેવાના મિજાજમાં નથી. આ સિવાય તે એકપણ રાજ્યમાંથી સત્તા ગુમાવવા માંગતુ નથી. આવી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ તેને હાલમાં પોષાય જ તેમ નથી. આમાંથી કોઈપણ રાજ્યમાં પક્ષની બેઠકોમાં વધારો ન થાય તો કંઈ નહી પણ તેમા જરા પણ ઘટાડો થાય તેમ ભાજપ ઇચ્છતું નથી.
ભાજપે 2017માં ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીના સથવારે માંડ-માંડ સત્તા કબ્જે કરી હતી. આ વખતે પણ ભાજપની અંદર કોઈ આંતરિક અસંતોષ ન થાય અને તેની સામે પણ મોટાપાયા પર કોઈ આંદોલન ન થાય તે માટે અમિત શાહ અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. તાજેતરમાં તે આ માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે પણ આવ્યા હતા. આ ઉપરાંત પક્ષ હાલમાં કોઈપણ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરવા ઇચ્છતું નથી, તેના દ્વારા તે પક્ષની અંદર અસંતોષ હોવાનો કોઈપણ સંકેત બહાર જાય તેમ ઇચ્છતું નથી. ગુજરાતમાં આપે પગપેસારો કર્યો છે અને ભાજપને લાગે છે કે આગામી ચૂંટણીમાં આપનું આગમન ભાજપને ફાયદો કરાવી શકે તેમ છે. ભાજપે તેના લીધે કોંગ્રેસના વોટ તોડવા માટે દર વખતે જે મહેનત કરવી પડતી હતી તે કદાચ ઓછી કરવી પડશે.