ગાંધીનગર : ગુજરાત સહિતના રાજ્યો તેમજ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોએ આક્ષેપિત અથવા તો જેમની સામે ગેરરીતિઓની ફરિયાદમાં તપાસ ચાલતી હોય તેવા ઉચ્ચ અધિકારીઓની તપાસ અને દંડની ફાઇલ પર રેડ સ્ટીકર લગાવવાનો આદેશ સેન્ટ્રલ વિઝિલન્સ કમિશન એટલે કે સીવીસીની સૂચનાથી કેન્દ્ર સરકારે આપ્યો છે.
આ આદેશનું પાલન કરવા રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર પણ લખવામાં આવ્યા છે. માત્ર દેશના રાજ્યો જ નહીં, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં ફરજ બજાવતા અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિના જેમની પર આરોપ લગાવવામાં આવેલા છે અને સેન્ટ્રલ વિઝિલન્સ કમિશન જેમની સામે તપાસ કરી રહ્યું છે તેમના કિસ્સાની ફાઇલો પર લાગુ પડશે.
આમ કરવાનું કારણ તપાસના કેસોમાં ઝડપ અને સરળતા લાવવાનું હોઇ શકે છે. બીજો ફાયદો આવી ગૂમ થતી ફાઇલોને બચાવવાનો પણ છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ અધિકારીઓ સામે થનારી સેન્ટ્રલ વિઝિલન્સ કમિશનની તપાસમાં ઝડપ લાવવા માટે કેટલાક નિયમોમાં બદલાવ કર્યો છે જેને રાજ્ય સરકારોએ પણ અનુસરવું પડશે.
અખિલ ભારતીય સેવાના અધિકારીઓમાં આઇએએસ અને આઇપીએસ સહિતના તમામ અધિકારીઓ આવે છે. સંસદના સત્રમાં જેવી રીતે રાજ્યસભા અને લોકસભામાં સવાલો સબંધિત ફાઇલો આપવામાં આવે છે તેવી રીતે આ ફાઇલો તૈયાર કરવાની રહેશે. સીવીસીના આદેશ પછી કેન્દ્ર સરકારે આ નિયમો તૈયાર કર્યા છે.
સીવીસી તપાસની ફાઇલો કે જેમાં દંડ અને સજાની જોગવાઇ છે તે જ્યારે રાષ્ટ્રપતિભવન અને યુપીએસસી સમક્ષ જશે ત્યારે તેના પર રેડ સ્ટીકર લગાડવાનું રહેશે. સાથે સાથે આ ફાઇલના કવર પેજ પર વિઝિલન્સ કેસ લખવામાં આવશે. ફાઇલ ખોલનારા અધિકારીએ તરત જ ખબર પડી જશે કે આ ફાઇલ સીવીસી તપાસની છે તેથી તેનો નિકાલ કરવામાં ઝડપ આવશે.
સીવીસીના કહેવા પ્રમાણે અખિલ ભારતીય સેવાના અધિકારીઓ પર જ્યારે આરોપ લાગે છે ત્યારે તેની ફાઇલ તૈયાર થતી હોય છે પરંતુ બીજી સામાન્ય ફાઇલની જેમ આ ફાઇલ ધીમી ગતિએ ચાલતી હોય છે જેનો ફાયદો આક્ષેપિત અધિકારીને થતો હોય છે.
આ ફાઇલ જ્યારે રાષ્ટ્રપતિભવન કે યુપીએસસી સમક્ષ જતી હોય છે ત્યારે માર્ગમાં તેને ગૂમ પણ કરી દેવામાં આવે છે. સીવીસીમાં જેમને આરોપી બનાવવામાં આવ્યા છે તેવી ફાઇલો ઝડપથી ટ્રેસ થાય તે હેતુથી સીવીસીએ કેન્દ્રના તમામ મંત્રાલયો, વિભાગો તેમજ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યસચિવને પત્ર લખ્યો છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સિવિલ સેવાના આ અધિકારીઓ સામે કોઇ તપાસ થાય છે ત્યારે તેને ઝડપથી નિકાલની દિશામાં આગળ વધારવી જરૂરી છે. આ ફાઇલને સામાન્ય ફાઇલોની જેમ રાખવામાં ન આવે તેથી તેની ઓળખ થાય તે અનિવાર્ય છે. તપાસની કેટલીક ફાઇલો એવી હોય છે કે જેને રાષ્ટ્પતિભવન અને યુપીએસસી સમક્ષ મોકલવાની હોય છે જેમાં દંડની જોગવાઇ કરવામાં આવી હોય છે.
ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે આ ફાઇલ યુપીએસસી પાસે જાય છે ત્યારે તેમાં એવું લખ્યું હોતું નથી કે સીવીસીએ તેમનો રિપોર્ટ આપ્યો છે. સીવીસીએ કેટલાક કેસોમાં કાર્યવાહી કરવાની ભલામણ કરી હોય છે પરંતુ તેને દબાવી દેવામાં આવતી હોય છે. આ સંજોગોમાં સીવીસીની ભલામણો એવી જગ્યાએ લખવામાં આવી હોય છે કે જે ફાઇલ ખોલતાં જ નજર સામે આવે અને આક્ષેપિતને ઝડપથી દંડ અને સજા મળી શકે.