જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં એક પોલીસ કર્મચારીને એસીબી શાખાની ટીમે પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા પછી તેને આજે અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લીધો છે. પોલીસે પકડાયેલા પોલીસ કર્મચારી તેમજ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ બંનેના ઘરની ઝડતી કરી છે, અને મહિલા પીએસઆઇની સર્વિસ રિવોલ્વર કબજે કરી લેવામાં આવી છે. પીએસઆઇ હાલ લાપતા હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.
જામનગર મહિલા પોલીસ મથકમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા નામના પોલીસ કોન્સ્ટેબલને મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઉમાબેન ભટ્ટના કહેવાથી એક વ્યક્તિ પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચ લેવા અંગે એસીબીની ટીમે રંગેહાથ પકડી પાડયો હતો. જે પોલીસ કર્મચારીનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતા લાંચ પ્રકરણમાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને આજે પાંચ દિવસની રિમાન્ડની માંગણી સાથે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ થયો છે.
એસીબીની ટીમ દ્વારા પકડાયેલા પોલીસ કર્મચારી દિવ્યરાજસિંહ ઝાલા તેમજ જેના વતી લાંચ માગી હતી તે મહિલા પીએસઆઇ ઉમાબેન ભટ્ટના ઘરની ઝડતી કરવામાં આવી હતી. જોકે બંને મકાનોમાંથી કશું વાંધાજનક મળ્યું ન હતું, પરંતુ મહિલા પીએસઆઇની સરકારી રિવોલ્વર મળી આવી હતી. જે રિવોલ્વર કબજે કરી લઈ સરકારમાં જમા કરાવી દેવામાં આવી છે. મહિલા પીએસઆઇ હાલમા લાંચના ગુનામાં ફરાર હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.