કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં રવિવારે NDA કેબિનેટમાં પાંચ પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન એન. રંગસ્વામીના શપથ લીધાના લગભગ બે મહિના પછી નવા પ્રધાનોને કેબિનેટ માં સામેલ કરવામાં આવ્યા છે. ચાર દાયકાઓ બાદ પોંડીચેરીના મંત્રીમંડળમાં મહિલાને સ્થાન મળ્યું છે.
41 વર્ષ બાદ કેબિનેટમાં મહિલાને સ્થાન
પોંડીચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તામિલિસાઈ સૌંદરારાજે રાજનિવાસ ખાતે પાંચપ્રધાનોને પ્રધાનપદના શપથ લેવડાવ્યા.
શપથ લેનારા પ્રધાનોમાં એ. નમશિવાયમ,કે.લક્ષ્મીનારાયણ, સી.ડીજ્યાકુમાર, ચંદ્રિકા પ્રિયંકા અને એ.કે. સાંઈ જે સરવન કુમાર સામેલ હતા. આ તમામ પ્રધાનોએ ઈશ્વરની સાક્ષીએ શપથ લીધા. પોંડીચેરી કેબીનેટ માં 41 વર્ષ બાદ કોઈ મહિલા મંત્રી તરીકે ચંદીરા પ્રિયંગા એ શપથ લીધા છે.
યુવાનો માટે કામ કરવાનો ઉદ્દેશ : ચંદીરા પ્રિયંગા
પોંડીચેરી કેબીનેટમાં 41 વર્ષ બાદ મહિલા મંત્રી તરીકે શપથ લીધા બાદ ચંદીરા પ્રિયંગા એ કહ્યું કે તેમનો ઉદ્દેશ યુવાનોને રોજગાર માટે શિક્ષિત અને પ્રોત્સાહિત કરવાનો છે. સ્ત્રી અને પુરુષમાં કોઈ અંતર નથી અને હું મારા કામથી તે સાબિત કરીશ.
વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ શપથ ગ્રહણ કરનાર તમામ પ્રધાનોને અભિનંદન આપ્યા અને આશા વ્યક્ત કરી કે મુખ્યપ્રધાન એન. રંગસ્વામીના નેતૃત્વમાં પોંડીચેરી લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, “પોંડીચેરીમાં પ્રધાન તરીકે શપથ લેનારાઓને ઘણા ઘણા અભિનંદન. હું આશા રાખું છું કે આ ટીમ દૃઢતા સાથે કાર્ય કરશે અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે.”
કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં 41 વર્ષના ગાળા બાદ એક મહિલાએ મંત્રીપદના શપથ લીધા છે.પ્રિયંગા પહેલાં કોંગ્રેસના દિવંગત નેતા રેણુકા અપ્પાદુરાય 1980-83 દરમિયાન પુડુચેરીમાં મહિલા પ્રધાન હતા. એમપીઆર રામચંદ્રનની DMK ની આગેવાનીવાળી ગઠબંધન સરકારમાં અપ્પાદુરાયને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.